સાયખા જીઆઇડીસી ની એક કંપનીમાં કામ કરતો કામદાર અગમ્ય કારણોસર નીચે ઢળી પડ્તા સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરત જણાતા વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.
વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત Uc Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના સમયે એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા.

જ્યા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કંપનીમાં ઘટના બની હોવા છતાં કંપની સત્તાધીશો વાગરા હોસ્પિટલમાં યુવકની ખબર અંતર જોવા માટે ફરકયા પણ ન હતા. ઇજાગ્રસ્ત બનેલ યુવક સતદિપ કુમાર (ઉ.વ 24) મૂળ રહે. બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું. જાણવા મળેલી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સતદિપ સુશીલ કોન્ટ્રાકટમાં કામ કરતો હતો. ઘટના અંગે પુછતાછ કરતા હાજર કોન્ટ્રાકટરે પણ મોન વ્રત ધારણ કરી લીધું હતું. સેફટી પ્રત્યે કંપની સામે સવાલો ઉદ્ભવી રહ્યા છે. કામ કરતી વેળાએ કામદારોને સેફટીના સાધનો આપવામાં આવે છે કે કેમ.? સેફટીના અભાવેજ આવા બનાવો બનતા હોય છે. જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે. સેફ્ટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ પંથકમાં ઉઠી રહી છે.

સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાશવારે બનતી આવી ઘટનાઓ સેફ્ટી અને સુરક્ષાને તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. રોજગારી માટે આવેલા પરપ્રાંતીય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતાં કંપની માલિકો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર, સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી છે. હાલ આવી બેદરકારી પૂર્વક બનતી ઘટના ઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લઈ કંપની ધારકો ઉત્તમ ગુણવત્તા વાળા સેફ્ટી શૂઝ, હેલ્મેટ અને સુરક્ષાના અન્ય સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

કંપનીધારકો કોસ્ટ કટીંગના નામે નોકરિયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની બૂમો ઉઠે છે. સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. સેફ્ટી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com