વધતા જતા જીવલેણ અકસ્માતો ચિંતાજનક : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે. તાલુકામાં છાસવારે સર્જાતા નાનામોટા અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે. ત્યારે ગતરોજ તા.૩ જીના રોજ રાતના અગિયાર વાગ્યાના અરસામાં રાજપારડી નજીક મુખ્ય ધોરીમાર્ગ પર જીએમડીસી ચોકડી નજીક કોઇ અજાણ્યા વાહનની અડફેટે રાજપારડીના એક ૨૩ વર્ષીય મોપેડ ચાલક યુવકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના માધવપુરા વિસ્તારમાં રહેતો વિક્રમભાઇ રતિલાલ વસાવા નામનો ૨૩ વર્ષીય યુવક ગતરોજ રાતના સમયે તેના મિત્ર હિમાંશુને મુકવા જાંબુડા ફળિયામાં ગયો હતો,મિત્રને મુકીને તે પાછો ફરતો હતો ત્યારે રાતના અગિયાર વાગ્યાના અરસામાં જીએમડીસી ચોકડી પાસે કોઇ અજાણ્યા વાહને વિક્રમની મોપેડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં વિક્રમભાઇના માથા પર અજાણ્યા વાહનનું વ્હિલ ચઢી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિક્રમભાઇનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ અજાણ્યા વાહનનો ચાલક તેનું વાહન લઇને ઘટના સ્થળેથી નાશી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતકના ભાઇ રાકેશ રતિલાલ વસાવા રહે.માધવપુરા રાજપારડીનાએ રાજપારડી પોલીસમાં અકસ્માત સર્જી નાશી જનાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com