આમોદ તાલુકાના આછોદ ગામ પાસે આજ રોજ બપોરના ત્રણ વાગ્યાના સમયે ટ્રક ચાલકે પાછળથી ટ્રેકટરને ટક્કર મારતાં ટ્રેકટરમાં સવાર એક ઇસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ટ્રેકટર ચાલકને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમોદ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે રહેતાં ભારતભાઇ મોહનભાઇ રાઠોડ ઉ.વ.૫૪ રહે.રાઠોડવાસ,આછોદ.તા.આમોદ જી.ભરૂચનાઓ ટ્રેકટર નંબર- GJ-16-DC-1141 માં બેસીને આછોદ ગામ થી રોઝાટંકારીયા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે દરમિયાન બપોરના ત્રણ કલાકે આછોદ ગામ પાસે આવેલ વેસ્પુન કંપની નજીક પહોચતા પાછળથી ટ્રક નંબર GJ-06-AU-8878ના ચાલક અહેમદહુસેન લાલ મોહમદ મકરાણી રહે.દિવાન ફળીયુ, ડેસર તા.ડેસર જી.વડોદરાનાઓએ પોતાના કબજામાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલ્ટી ખાઈ ગયું હતું.અને ભારત મોહન રાઠોડ ટ્રેકટરની નીચે દબાઈ જતાં તેનુ સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું.

ટ્રેકટર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયો : જયારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઇ રાઠોડને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી.જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે મરણ જનારનાં પુત્ર રાજુભાઇ ભારતભાઇ રાઠોડની ફરિયાદ લઇ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com