ધારાસભ્યએ કૃષિ મહોત્સવ સ્થળે પ્રદર્શન અર્થે રાખવામાં આવેલ વિવિધ વિભાગના સ્ટોલોની મુલાકાત લીધી : ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશયથી સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાગરા સ્થિત ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ખાતે વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વધે અને આધુનિક કૃષિ પદ્ધતિ તેમજ વિવિધ ખેતી વિષયક યોજનાઓની જાણકારી મળી રહે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી. આ કૃષિ મહોત્સવના કારણે ખેડૂતો આજે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને આધુનિક કૃષિ પદ્ધતિ અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખેડૂતોને સરકારી યોજનાઓની જાણકારી મળી રહે તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આધુનિક કૃષિ પદ્ધતિ અંગે ખેડૂતોને માહિતગાર કરે તે માટે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરાયું : આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કૃષિ અને પશુપાલન વિભાગની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાગરા મામલતદાર મીનાબેન, તાલુકા પંચાયત પ્રમુખ ભૂપતસિંહ વાઘેલા, ઉપ પ્રમુખ પાર્વતીબેન રાઠોડ, નાગજીભાઈ ગોહિલ, વજેસંગભાઇ રોહિત, જીતુ ભાઈ (પહાજ) સહિત મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com