વાગરા તાલુકાના લીમડી ગ્રામપંચાયતની સીમમાં ચાલતી કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇનની કામગીરીનો સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવી કામગીરી બંધ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. ખેડૂતોની સહમતી વિના આ કામગીરી કરાતી હોય, ખેડૂતોના ઉભા પાકને પણ નુકશાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કુદરતી આપત્તિઓ બાદ માંડ ઉભો થયેલ ખેડૂત ફરી ચિંતામાં ગરકાવ થયો છે.
બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના લીમડી ગ્રામ પંચાયતની સીમમાં આવેલ સર્વે નંબર 98/1, 98/2, 99 (બિનખેતી), 100, 78/1, તેમજ 59 માં ચાલતી કામગીરીનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉપરોક્ત સર્વે નંબરની જમીનમાં હાલ કંડલા-ગોરખપુર ગેસ પાઇપલાઇન બિછાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે કામગીરી ખેડૂતોની સહમતી વિના અને ગેરકાયદેસર રીતે કરાતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કામગીરી બંધ કરાવી હતી. અને ધારાસભ્ય, કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓને સંબોધીને વાગરા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી. અને ઘટતું કરવા માંગ કરી હતી.

પખજણ અને લીમડીના ખેડૂતોએ અરજીમાં જણાવ્યું હતું, કે હાલ અમારી જમીનમાં કંડલા-ગોરખપુરની ગેસ પાઇપ લાઇનનું કામ કાર્યરત છે. જેની સામે અમોએ અગાઉ પણ રૂબરૂ મુલાકાત કરીને વાંધો રજુ કર્યો હતો, તેમ છતાં અમારી જાણ મુજબ હાલમાં કોઇપણ પ્રકારનું પાક વળતર કે જાણકારી આપ્યા વગર હાલ સ્થળ ઉપર મન-મરજીથી ગેરકાયદેસર રીતે કામગીરી કરતાં હોય તેવું અમારા ધ્યાને આવેલ છે. અને હાલ અમારા ખેતીના પાક વાવણીની સીજન પણ ચાલું હોય, અને મોટાભાગે વાવેતર પણ થયેલ હોય, અને તેમ છતાં કંડલા-ગોરખપુર લાઇનના કોન્ટ્રાકટરો કે અધિકૃત કર્મચારી અમોને ધાક-ધમકી આપીને પોતાનું કામ પુરુ કરવા માંગતા હોય, આ સાથે આપ સાહેબને જણાવવાનું કે, અગાઉ અમારા ધ્વારા કોઇપણ પ્રકારનું લેખિત કે મૌખિક પરવાનગી આપવામાં આવેલ નથી, તેમ છતાં જબરજસ્તી અમોને ધાક-ધમકી આપી તેઓ પોતાનું કામ પુરુ કરવા માંગતા હોય, આ બાબતે સરકારના કોઇપણ અધિકૃત ઓફિસર જેવા કે કલેકટર કક્ષા લેવલના કે મામલતદાર અથવા ટી.ડી.ઓ. જેમણે કયારેય અમારી મુલાકાત કરેલ નથી, કે અમારા જવાબો પણ લીધેલ નથી, સ્થળ પર આવતાં ઇસમો અમારી જાણ મુજબ રીટાયર્ડ તલાટી કક્ષાના કર્મચારીઓ વારંવાર આવીને અમોને આ લાઇનનું કામ ચાલુ કરવાનો ફોર્સ કરતાં હોય, અને વળતર બાબતે તેઓ સાથે ચર્ચા કરતાં તેઓ કોઇપણ પ્રકારનો નિર્ણય લઇ શકતાં નથી, અને અમોને મૌખિકમાં ફકત એટલું જ કહે છે કે, તમારે અમારી વડોદરા ઓફિસે જઇને ડેપ્યુટી કલેકટર સાહેબને રૂબરૂ મળવું પડશે, અમો જાતે ખેડુત હોય અમારી જ જમીનનો ઉપયોગ કરવાનો હોય, અને અમોને વડોદરા સુધી ધકકા ખાવા માટે બોલાવે છે. તે કેટલા અંશે યોગ્ય કહેવાય.!

અને વધુમાં આ કંડલા-ગોરખપુર કંપનીના રીટાયર્ડ કર્મચારીઓ વ્યકિતગત મળીને ખેડુતોને ફોર્સ કરીને વડોદરા ઓફિસ સુધીના ધકકા ખવાડે છે, તેમ છતાં ખેડૂતને કોઇપણ યોગ્ય જવાબ મળેલ નથી કે યોગ્ય વળતરની વાત પણ કરેલ નથી, અને આ બાબતે કંડલા-ગોરખપુર લાઇન બાબતે વાગરા તાલુકાની અન્ય ગામોની જમીનો પણ સામેલ હોય તો આ કંપનીના અધિકૃત વ્યકિતઓ ધ્વારા લોક સુનાવણી તાલુકા કક્ષાએ કયારેય પણ રાખેલ નથી, જેથી હવે પછી અમારી સામે કંપની તેઓના બાઉન્સરો કે અન્ય રીટાયર્ડ મીલીટરી અમારી સામે ઉભી કરે તો અમારા રક્ષણ બાબતે આપ સાહેબને અમો આ પત્ર લખી જાણી કરીએ છીએ. વધુમાં અરજીમાં જણાવાયું છે, કે ભવિષ્યમાં ખેડૂતો સાથે ખોટું ઘર્ષણ ઉભું ન કરે અને ખોટી ધાક-ધમકી ન આપે એ બાબતે આપ સાહેબ યોગ્ય તપાસ કરી ધટતી કાર્યવાહી કરશો તેવી નમ્રતાપુર્વક અરજ છે. તેમ અરજીમાં જણાવવામાં આવ્યું છે. ખેડૂતોએ વાગરા પોલીસ મથકે આ અરજી આપી ધારાસભ્ય, ભરૂચ કલેકટર, વાગરા મામલતદાર, DDO, તેમજ TDO ને પણ નકલ રવાના કરી હતી.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com