ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે.તાજેતરમાં બે બાઇક અથડાતા નીચે પડેલ બાઇક સવાર યુવતી બાજુમાં ચાલતી બસ નીચે આવી જતા તેનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતોની પરંપરા યથાવત રહેતી હોય એમ એક મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા મોટરસાયકલ ચાલક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના ઝરણાવાડી ગામે રહેતો પ્રજ્ઞેશ વસાવા નામનો ૨૫ વર્ષીય યુવક તા.૧૪ મીના રોજ બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં તેના મિત્રની મોટરસાયકલ લઇને નેત્રંગ માંડવી રોડ પરથી જઇ રહ્યો હતો,તે દરમિયાન ચાસવડ અને ઝરણાવાડી વચ્ચે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તેની મોટરસાયકલ રોડની બાજુમાં આવેલ એક ઝાડ સાથે અથડાઇ હતી.

મોટરસાયકલ ઝાડ સાથે અથડાતા પ્રજ્ઞેશ મોટરસાયકલ સહિત નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં પ્રજ્ઞેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બેભાન થઇ ગયો હતો. પ્રજ્ઞેશને માથા તથા મોઢાંના ભાગે ઇજા થયેલ હોઇ તેના મોઢાંમાંથી લોહી નીકળતું હતું. ઘટનાની જાણ તેના પરિવારને થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પ્રજ્ઞેશને નેત્રંગ સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. ત્યારબાદ ગતરોજ તા.૧૬ મીના રોજ ઇજાગ્રસ્ત પ્રજ્ઞેશના પિતા ભરતભાઇ ચીમનભાઈ વસાવા રહે.ઝરણાવાડી તા.નેત્રંગનાએ ઘટના સંદર્ભે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com