ભરૂચ જિલ્લામાં સમાન નાગરિક સંહિતા (UCC) અને વકફ બિલના વિરોધમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ભારતીય સંવિધાનની કલમ 44 UCC અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારનો પ્રસ્તાવિત UCC ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે. સમાજના આગેવાનોએ 2018ના લો કમિશન રિપોર્ટનો હવાલો આપ્યો છે. આ રિપોર્ટ મુજબ UCCનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ.

ગુજરાતમાં 32% લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે. અને 18% લઘુમતી સમુદાયો UCCથી પ્રભાવિત થશે. મુસ્લિમ સમાજે એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે કે UCCની જાહેર સુનાવણી રમઝાન માસમાં બપોરે 4 વાગ્યે રાખવામાં આવી હતી. આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા ન હતા. વધુમાં, સમાજના આગેવાનોને આ સુનાવણી અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી. સમાજના આગેવાનોએ માંગણી કરી છે કે ભરૂચમાં ફરીથી UCC કમિટીની બેઠક યોજવામાં આવે. જેમાં તમામ લઘુમતી સમુદાયોને સાંભળવામાં આવે અને તેમના વાંધાઓ સ્વીકારવામાં આવે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com