Geo Gujarat News

ભરૂચ: જિલ્લામાં ગુનાઓ ઘટાડવાના ઈરાદાથી ઘરઘાટી, કામવાળી તરીકે કામ કરતા લોકોની નોંધણી ફરજિયાત કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતા અહેવાલો, ઈનપુટ તથા ભૂતકાળમાં બનેલ બનાવો તેમજ વર્તમાનમાં બનતાં બનાવો/ઘટનાઓ ધ્યાને લેતાં સમાજમાં જે ભયનો માહોલ, જાન-હાનિ, માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડવાની ઘટનાઓ બનતી જાય છે. આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સ્ત્રી/પુરૂષ એ જે તે વિસ્તારમાં સ્લિપર સેલ તરીકે કામ કરતા હોય છે તેઓ પોતાનો ઈરાદો પાર પાડવા માટે ઘરઘાટી, કામવાળી તરીકે કામ કરવાની નોકરી મેળવતા હોય છે. ઘરઘાટી, કામવાળી મહિલાઓ જયાં નોકરી કરતાં હોય ત્યાં મકાન માલીકની તમામ માહિતીથી વાકેફ હોય તેઓ બનાવટી કોલ દ્વારા ધમકી આપવાના, સાયબર ક્રાઈમને લગતા ગુના, ખંડણી માંગવાની, અપશબ્દો બોલવાના, મહીલાઓની જાતિય સતામણી કરવાના તેમજ ખોટી માહિતી આપવાના કિસ્સાઓ, અપહરણ તથા ઘરફોડ ચોરીઓ, લુંટ-ધાડ, ચીલઝડપ વિગેરે જેવા ગુનાઓ આચરતાં હોય છે તેઓ સદર માલિકની અંગત માહિતી આપી અન્ય વ્યકિત પાસે ગુનાઓ કરાવતાં પણ હોય છે. ઘરઘાટી, કામવાળી મહિલાઓ આંતકવાદી સંસ્થાઓને અગત્યની માહિતી ભેગી કરી પહોચાડવાનું કામ કરતાં હોય છે. મકાન માલીક ઘરઘાટી, કામવાળી મહિલાઓની જાણ પોલીસ વિભાગને ન કરતાં હોય કોગ્નીઝેબલ તેમજ મિલકત સંબંધી વિગેરે ગુનાઓ બને છે તેના મૂળ સુધી પહોંચતા આવા વ્યકિતને જાણ થતી હોય છે, પરંતુ મકાન માલીક પાસે ધરઘાટી, કામવાળી મહિલાઓની વિગતો/માહિતી ન હોવાના કારણે ચોકકસ આરોપી પકડી શકાતો નથી. ઉકત બાબતોને ધ્યાને રાખી તમામ અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર મહદઅંશે અંકુશમાં લઈ શકાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવું જરૂરી જણાય છે.

આથી, ભરૂચ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાધલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂ એ હુકમ કરે છે કે, ભરૂચ જીલ્લામાં તમામ મકાન માલીકો પોતાને ત્યાં ઘરઘાટી અને કામવાળી મહિલાને કોના મારફતે કામે રાખેલ તે વ્યકિતનું માન્ય ઓળખપત્ર, રહેઠાણના પુરાવા વિગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ ઘરઘાટી અને કામવાળી મહિલાઓના નામ સરનામાની આ સાથે સામેલ ફોર્મ મુજબની માહિતી મકાન માલિકે પોતાની પાસે રાખવાની રહેશે તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. સદરહું જાહેરનામાનો અમલ હુકમની તારીખથી દિન-૬૦ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિતને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *