ભરૂચ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષતામાં જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં મળી હતી. બેઠકમાં વિવિધ પ્રશ્રો અંગે ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં, જનપ્રતિનિધિઓએ ડી.જી.વી.સી.એલ., જમીન શાખા, ખાણ અને ખનીજ વિભાગ, ડી.આઈ.એલ.આર., નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા, બીએસએનએલ વિભાગ, દબાણ હટાવની કામગીરી જેવા પ્રજાલક્ષી પ્રશ્નો મુદ્દાઓ ઉપર વિસ્તૃત રીતે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રશ્નો સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓનું ચોમાસા પહેલા પેચવર્ક કરવા, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રજાજનોના પીવાના પાણીના પ્રશ્રો અને સિંચાઈને પ્રાયોરિટીમાં લઈ તેને હલ કરવા સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત સામે પરામર્શ અને નિરાકરણ માટે જિલ્લા કલેક્ટરએ જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો ધ્યાને લઈ ઉપસ્થિત લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વધુમાં, તપાસણીને લગતી બેઠક અને રિવ્યૂ કામગીરી સમયાંતરે કરવા તેમજ પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તે દિશામાં ત્વરીત કામગીરી હાથ ધરવા તાકીદ કરી લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય સર્વેશ્રીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને સુનિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતા.

આ તકે, અધ્યક્ષસ્થાનેથી આગામી ચોમાસાની ઋતુ પહેલાં સુજલામ સૂફલામ યોજના લોકભાગીદારીના કામો કરવા વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા. ચોમાસા પહેલા ‘કેચ ધ રેઇન’ અભિયાન અંર્તગત રેઇન-વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાના ટૂંકાગાળાનું આયોજન કરી કામગીરી કરવા જણાવ્યું હતું. ઉક્ત બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, રિતેશભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com