આમોદ નગરમાં રહેલી ખુલ્લી ગટરો અકસ્માતને નોતરી રહી છે. :- આમોદ-જંબુસરને જોડતો નેહા.૬૪ ના સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરને કારણે આજે સવારે એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. પરંતુ કાર ચાલકને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. આમોદ નગરમાં ઠેર-ઠેર ખુલ્લી ગટરોને ઢાંકવામાં પાલિકાની ઢીલાશ કોઈ મોટી હોનારતને નોતરી રહ્યું હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું છે. એક તરફ પ્રજા ઉબડ-ખાબડ માર્ગથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યાં વધુ એક સમસ્યા વાહન ચાલકો સહિત રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. જ્યાં ક્યાંકને ક્યાંક પાલિકાની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે. જે સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું તેમ લાગી રહ્યું છે.

નગર પાલિકાના અંદરો અંદરના વિખવાદના કારણે નગરની પ્રજા હેરાન-પરેશાન થઈ રહી છે : સાજીદ રાણા (પૂર્વ પ્રમુખ) :- આમોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ અલી રાણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું, કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કારવાયું હતું. જે તદ્દન તકલાદી પુરવાર થઇ રહ્યું છે. પાછલા ૬ મહિના જેટલા ટૂંકા સમયગાળા માંજ ત્રણ-ત્રણ વખત ગટરનું રીપેરીંગનું કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. આજે સવારે ખુલ્લી અને તકલાદી ગટરના કારણેજ એક કારને અકસ્માત નડ્યો હતો. જોકે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાંય પાલિકાના પેટનું પાણી હાલતું નથી. વધુમાં સાજીદ રાણાએ જણાવ્યું હતું, કે પાલિકાના અંદરો અંદરના વિખવાદને કારણે વિકાસના કામોને ચોક્કસ વેગ મળતો નથી. જેના કારણે ભોળા અને નિર્દોષ નગરજનો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખુલ્લી ગટરોનું તાત્કાલિક કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવી નગરજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com