ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો ઉપર સમયાંતરે છાસવારે સર્જાતા અકસ્માતોમાં ઘણા અકસ્માત તો જીવલેણ પણ સાબિત થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઝઘડિયાથી અંકલેશ્વર તરફ જતા ધોરીમાર્ગ પર ઝઘડિયાની વાલિયા ચોકડીથી થોડે દુર કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લેતા એક અજાણ્યા ઇસમને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ અંગે ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી માહિતી પ્રમાણે ગત 2 જીના રોજ આશરે રાતના આઠ વાગ્યાના અરસામાં વાલિયા ચોકડીથી થોડે દુર અંકલેશ્વર તરફ જતા ધોરીમાર્ગ પર આશરે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના જણાતા એક અજાણ્યા ઇસમને કોઇ અજાણ્યા વાહને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ભોગબનનારને શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ વાહન ચાલક તેનું વાહન લઇને સ્થળ ઉપરથી ફરાર ગયો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘાવયેલ અજાણ્યા ઇસમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના સંદર્ભે જીતેન્દ્ર ગોવર્ધનભાઇ વસાવા રહે.ઝઘડિયાનાઓએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી સ્થળ ઉપરથી પોતાનું વાહન લઇને ફરાર થઇ ગયેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com