Geo Gujarat News

ભરૂચ: રાવલભાઈને પડખાના ભાગે દુઃખાવો થતા પ્રાથમિક સારવારમાં પથરી હોવાનું નિદાન થતા આયુષ્માન કાર્ડ થકી નિઃશુલ્ક સફળ ઓપરેશન દ્વારા નિકાલ કરાયો

‘પહેલું સુખ તે જાતે નર્યા’ આ ઉક્તિ અનુસાર આરોગ્ય એ દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને સરળતાથી અને સત્વરે ઉત્તમ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. જેના ભાગરૂપે આયુષ્માન કાર્ડ થકી રાજ્યના નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવા મળી રહી છે. ભરૂચના નિવાસી અને ખેત મજુરી કરતા રાવલભાઈ વસાવા આયુષ્માન કાર્ડના આવા જ એક લાભાર્થી છે. જેમના માટે આયુષ્માન કાર્ડ ઉત્તમ આરોગ્ય સેવાની ગેરંટી બન્યું છે. રાવલભાઈને કિડનીમાં પથરી થઈ હતી. આયુષ્માન કાર્ડના માધ્યમથી આ પથરીનું સફળતાપૂર્વક ઓપરેશન કરી અને સારવાર કરવામાં આવી હતી. જેથી રાવલભાઈને રોજિંદી આરોગ્યલક્ષી મુશ્કેલીઓથી છૂટકારો મળ્યો હતો.

નિઃશુલ્ક સફળ ઓપરેશનથી રોજીરોટીનો ઘસારો અટકતા મારા જીવનમાં નવો પ્રકાશ પથરાયો – રાવલભાઈ લાભાર્થી :- રાવલભાઈને પેટના પડખાના ભાગે દુઃખાવો રહેતો હતો. જેના કારણે તેમને રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં પણ મુશ્કેલી રહેતી હતી અને અસહ્ય દુઃખાવાના કારણે ખેત મજુરી પણ બંધ કરવી પડી હતી. જેથી તેમની રોજીરોટીને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે તેમને ભરૂચના ઝાડેશ્વર રોડ ખાતે આવેલ નારાયણ હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા ત્યારે એમને કિડનીમાં પથરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ સમસ્યા ફક્ત ઓપરેશન દ્વારા જ દૂર કરી શકાય તેમ હોય તેમને યોજના સાથે જોડાયેલ ભરૂચની પાંચબત્તી વિસ્તાર ખાતે આવેલ બરોડા હાર્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં એમની વધુ તપાસ કર્યા બાદ ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ તેમને આયુષ્માન કાર્ડ થકી દાખલ કરી તદ્દન મફતમાં ઓપરેશન કરી આપ્યું તેમજ રજા મળ્યા પછી રૂ. ૩૦૦/- ભાડા પેટે અને સાથે પાંચ દિવસની દવા આપી ફરી બતાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. આયુષ્માન કાર્ડ થકી સારવાર મળી એ બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા રાવલભાઈએ જણાવ્યું કે, હું ખેત મજુરી સાથે સંકળાયેલો છું. મને પડખાના ભાગે અસહ્ય દુઃખાવો થતો હતો. મેં નારાયણ હોસ્પીટલમાં તપાસ કરાવી હતી. તેમણે જ મને આયુષ્માન કાર્ડમાં સારવાર ફ્રી થશે અને કોઈ જ ચિંતા ન કરો એવી ખાતરી આપી હતી. આથી મેં આયુષ્માન કાર્ડ થકી સારવાર કરાવી અને મને આ અસહ્ય દર્દમાંથી છૂટકારો મળ્યો હતો. હવે હું ખેતમજૂરી સહિતની રોજીંદી પ્રવૃત્તિઓ પણ સરળતાથી કરી શકું છું. આયુષ્માન કાર્ડ થકી નિઃશુલ્ક સફળ ઓપરેશનથી રોજીરોટીને ઘસારો લાગતો અટક્યો અને મારા જીવનમાં નવો પ્રકાશ પથરાયો છે. સાથોસાથ રાવલભાઈના પત્નિ જ્યોત્સનાબેન પોતાનો પ્રતિભાવ આપતા કહે છે કે, હવે મારા પતિને પથરીના દુ:ખાવામાં સંપૂર્ણપણે રાહત છે. આથી આ આયુષ્માન કાર્ડ યોજના બદલ હું રાજય અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ યોજનાની વિશેષતાઓ રૂપે કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૧૦ (દસ) લાખ સુધીની કેશલેસ સારવાર મળશે, કુટુંબના સભ્યોની સંખ્યા અને ઉંમર પર કોઈ મર્યાદા નથી, મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને “મા વાત્સલ્ય” યોજનાના લાભાર્થીઓને લાભ મળશે, યોજનાના લાભાર્થીઓને હોસ્પિટલ ખાતે સારવાર હેતુ આવવા-જવાના ભાડા પેટે ડીસ્ચાર્જ સમયે DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર)થી દર્દી/સગાના ખાતામાં રૂ. ૩૦૦/- જમા કરવામાં આવે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *