ભરૂચ જિલ્લાના શુકલતીર્થ વિસ્તારમાં નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતી જગ્યાએ 15 નવેમ્બર, 2024ના રોજ ઊંડા ખાડામાં પડી ડૂબવાથી (1) દિશાન (ઉ.વ. 6), (2) વસંતભાઈ અને તેમનો પુત્ર (3) બિનીતકુમારના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટના માટે ગેરકાયદેસર રેતી ખનન જવાબદાર હોવાનું મૃતકોના પરિવારજનો અને સમાજીક કાર્યકરોનું મંતવ્ય છે. ઘટનાસ્થળે મોતના કેસમાં હજુ સુધી જવાબદાર શુરેન્દ્રસિંહ બી. પરમાર વિરુદ્ધ BNS કલમ 106 સહિતની કલમો હેઠળ પોલીસ દ્વારા કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. તેમજ મૃતકોના પરિવારજનોને પણ વળતર મળ્યું નથી. જેથી ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરાઈ હતી.

આયોગના આદેશ પર કલેક્ટરશ્રી ભરૂચ દ્વારા રચાયેલ SIT – જેમાં નાયબ કલેક્ટર, GPCB અધિકારી, DILR તથા DySPના પ્રતિનિધિ તરીકે PI નબીપુર પોલીસનો સમાવેશ છે – દ્વારા તપાસ ચાલી રહી છે. અગાઉ રજૂ કરાયેલ રિપોર્ટ અંગે અરજદારો તરફથી વાંધા ઊઠાવવામાં આવતા આયોગે પુન: તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.

આ આદેશના અનુસંધાનમાં કલેક્ટરશ્રીએ 20 મે, 2025ના રોજ અરજદારો તથા મૃતકોના પરિવારજનોને રૂબરૂ સાંભળ્યા હતા અને 24 મેના રોજ SIT અધ્યક્ષની આગેવાની હેઠળ ઘટના સ્થળે ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પરીક્ષણ દરમિયાન મૃતકોના પરિવારજનો અને સ્થાનિક માછીમાર અશોકભાઈ ભીખાભાઈ માછી દ્વારા બનાવના દિવસની તમામ હકીકતો રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત બનાવના વિડિયો, ફોટોગ્રાફ્સ અને પેનડ્રાઇવ પણ SIT સમક્ષ રજૂ કરાઈ હતી.

સ્થળ પર લોખંડની ડ્રેજિંગ બોટો, લાંબી પાઇપલાઇનો, પોકલેન મશીનો સહિત આશરે 50થી વધુ સાધનો ગેરકાયદેસર રીતે રેતી ખનનમાં વપરાતા હોવાનું SITને જણાયું હતું. SITના અધ્યક્ષે ખાણ ખનિજ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા ટેલિફોન દ્વારા આદેશ આપ્યો હતો.

આ સમગ્ર મામલામાં શુરેન્દ્રસિંહ બી. પરમાર સામે ગુનાહિત કાર્યવાહી થાય અને મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તેવી માગ સાથે મૃતકોના સ્વજનો અને કાર્યકરો તરફથી SIT સમક્ષ આહ્વાન કરવામાં આવ્યું છે. SIT દ્વારા મૃતકોના પરિવારને યોગ્ય ન્યાય મળવાના આશ્વાસન સાથે તપાસ ચાલુ છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com