ભરૂચ શહેરમાં બે અલગ-અલગ સ્થળોએથી ઝેરી કોબ્રા સાપનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. પ્રથમ ઘટનામાં માતરિયા તળાવના ગેટ પાસેથી સ્થાનિક રહેવાસી સોમાભાઈએ સાપની હાજરી અંગે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી હતી. જેથી ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ, રમેશ દવે અને વ્રજ શાહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં, જાણવા મળ્યું કે આ સાપ ‘સ્પેક્ટેકલ કોબ્રા’ છે. આ પ્રજાતિ ભારતના ત્રણ મુખ્ય ઝેરી સાપોમાંની એક છે. લગભગ પાંચ ફૂટ લાંબા આ સાપને રેસ્ક્યુ ટીમે સલામત રીતે પકડ્યો હતો.

બીજી ઘટનામાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના નિવાસ સ્થાનેથી એક ઝેરી કોબ્રા મળી આવ્યો હતો. નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેએ જંગલ વિભાગના માર્ગદર્શન હેઠળ આ સાપનું પણ રેસ્ક્યુ કર્યું હતું. આ બંને સાપને માનવ વસાહતથી દૂર, પાણી અને ખોરાકની સુવિધા ધરાવતા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ દરમિયાન ટીમે યોગ્ય સાધનો અને વિશેષ તકનીકનો ઉપયોગ કરી સંપૂર્ણ સલામતી જાળવી રાખી હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com