Geo Gujarat News

વાગરા: સાયખા GIDC સીઈટીપી લાઈનમાં ભંગાણ, કેમિકલ યુક્ત પાણીના કારણે પર્યાવરણ અને આરોગ્ય પર ગંભીર ખતરો!

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી ખાતે આવેલ કોમન ઈફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઈટીપી) લાઈનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભંગાણ પડતા GIDC માં ભારે જળપ્રદૂષણની સ્થિતિનું સર્જન થયું છે.

પર્યાવરણ તથા જન આરોગ્ય સામે પણ ગંભીર ખતરો:- ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલ યુક્ત અને રાસાયણિક પ્રવાહી ટ્રિટમેન્ટ વિના ગમે ત્યાં વહી રહ્યુ છે, જેના કારણે પર્યાવરણ તથા જન આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે. જીઆઇડીસી વિસ્તારનું પ્રદૂષિત પાણી ખાડીઓમાં, વરસાદી નાળાઓમાં તેમજ આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જતા ભૂતકાળમાં અનેક પશુઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તદુપરાંત આ પાણી ભૂગર્ભ જળમાં ભળતું હોવાથી અનેક ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓ અને કામદારોમાં શ્વાસની તકલીફ, ચામડીના રોગો અને આંખોમાં બળતરા જેવી અનેક આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે.

કંપનીઓના દંડભોગ પણ જવાબદાર કોણ? : GIDC ની સીઈટીપી લાઈનમાં ભંગાણને કારણે અનેક ઔદ્યોગિક એકમોએ દંડ પણ ભોગવ્યો છે, જો કે આ માટે વાસ્તવમાં જવાબદાર કોણ છે ? તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. કંપની સંચાલકો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ભૂતકાળમાં અનેક વખત જીપીસીબી સહિત સંબંધિત તંત્રોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં સ્થિતિમાં કોઇ ઠોસ સુધારો આવ્યો નથી.

લાંબી વહીવટી પ્રક્રિયા અને ઢીલી કામગીરીનાં કારણે સમસ્યા ઠેરની ઠેર :- સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 2019થી અત્યાર સુધીમાં વારંવાર ગાંધીનગર સ્થિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અને હાઇકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં વહીવટી પ્રક્રિયા લાંબી અને ધીમી હોવાને કારણે કોઇ નક્કર પગલાં સામે આવ્યા નથી. સ્થાનિક વહીવટ તંત્ર પણ સમયસર કામગીરી કરી શકતું નથી, જેના કારણે સમસ્યા યથાવત જોવા મળી રહી છે.

 

ભવિષ્યમાં વધુ વિકટ સ્થિતિ સર્જાઈ શકે તેવા એંધાણ :- વિસ્તારની ગંભીર પરિસ્થિતિ જોતા વિશેષજ્ઞોના મતે જો હાલની પરિસ્થિતિનો તાત્કાલિક નિકાલ કરવામાં નહીં આવે તો જમીન તથા ભૂગર્ભ જળ સંપૂર્ણ રીતે પ્રદૂષિત થઈ શકે છે, જેને લીધે સમગ્ર વિસ્તાર માટે દીર્ઘકાલીન પરિણામો ભોગવવા પડે. જીપીસીબી અને જીઆઈડીસી જેવા સંબંધિત વિભાગો દ્વારા સીઈટીપી લાઈનમાં થયેલા ભંગાણની તાત્કાલિક અને સઘન તપાસ હાથ ધરી, જવાબદાર તત્વોને ચોક્કસ દંડિત કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક જણાય રહ્યું છે.

નિષ્ણાતો અને જાગૃત નાગરિકોની માંગ :- જાગૃત નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તાકીદે પગલાં લેવા માંગ કરવામાં આવી રહી છે. પ્રદૂષિત જળપ્રવાહને રોકી યોગ્ય રીતે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ થાય તેની સુચનાવાર વ્યવસ્થા સરકાર અને તંત્રે અમલમાં મૂકે તે જરૂરી બની ગયું છે. આવનાર ચોમાશાની ઋતુમાં વરસાદી પાણીના પ્રવાહ સાથે કેમિકલયુક્ત પાણી રહેણાંક વિસ્તારમાં પ્રવેશી નુકશાન સર્જે તે વાત પણ નકારી શકાય તેમ નથી. તાકીદે આ ગંભીર મુદ્દે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *