ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ લુહાર સુથાર જ્ઞાતિ હોલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય મિડ ડે મિલ કર્મચારી મહાસંઘના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા વિશેષ હાજર રહ્યા હતા. મધ્યાહ્ન ભોજન યોજના, જે હવે “પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના” તરીકે ઓળખાય છે, તેનું અમલ વર્ષ 2022થી શરૂ થયો છે. જોકે આ યોજનાની શરૂઆત 1984થી થઈ હતી અને તે સમયે આ યોજના “જવાહર રોજગાર યોજના” સાથે જોડાયેલ હતી.

આ યોજનામાં રસોઈયા, મદદનીશ અને સંચાલકો મળીને માત્ર ગુજરાત રાજ્યમાં 96,000 કરતાં વધુ અને દેશભરમાં 25 લાખ કર્મચારીઓ કાર્યરત છે. આ તમામ કર્મચારીઓ શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિકોની યાદીમાં સમાવિષ્ટ છે, છતાં તેમને માત્ર રૂ. 2500 થી રૂ. 4500 સુધીનું માનદ વેતન મળે છે. આ નવા પી.એમ પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ આવા શ્રમિકો માટે કોઈ સકારાત્મક પગલાં ન લેવાતા, તેના વિરોધરૂપે આગામી 2 જુલાઈ 2025 ના રોજ સમગ્ર દેશમાં જિલ્લા કલેક્ટર કચેરી સામે એક દિવસીય ધરણાં, રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાશે તેમ કાર્યક્રમમાં જણાવાયુ હતું.

દરેક જિલ્લા કલેક્ટરને દેશના વડા પ્રધાનને સંબોધિત આવેદનપત્ર મોકલાશે. સાથે-સાથે રાજ્ય સરકારના તાજેતરના નિર્ણય મુજબ ભોજન યોજના ખાનગી સંસ્થાઓને સોંપવાના પ્રયાસના પણ આંદોલન દ્વારા વિરોધ કરવામાં આવશે. અને ખાસ કરીને ભરૂચના ઝઘડીયા તાલુકામાં એક કેન્દ્રિય રસોડું તૈયાર કરી રાજ્ય બહારની ખાનગી સંસ્થાને કોન્ટ્રાક્ટ આપીને બાળકોને 40થી 100 કિલોમીટર દૂરથી વહેલી સવારે 3 વાગે બનાવેલું ભોજન પહોંચાડવાનું આયોજન શાળા સમયસૂચિ અને પોષણની વ્યાખ્યાને ઉલટાવતું છે.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કુલ 72 તાલુકાઓમાં આવી ખાનગીકરણની નીતિનો વિરોધ પણ આ કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું હતું. આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ ખાતે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં પી.એમ પોષણ યોજના કર્મચારી સંઘના મહા મંત્રી લક્ષ્મણભાઈ ખટાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ ઠાકોરભાઈ, સુરત જિલ્લા પ્રમુખ ઝાકીર ભાઈ, રેખાબેન, મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુ ભાઈ, અંજામ ન્યૂઝના તંત્રી જીતેશ ભાઈ, નવનીત ભાઈ, ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો, સંચાલકો, તાપી, નર્મદા તેમજ વલસાડ જિલ્લાના પ્રમુખો સહિત મહામંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ઉક્ત કાર્યક્રમનું સફળ સંચાલન ભરૂચ જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ કોપાધ્યક્ષ માસ્ટર ફારૂકભાઈ તથા ભરૂચ જિલ્લા મહામંત્રી સુરેશભાઈ, કોપાધ્યક્ષ નજીર ભાઈ તેમજ માનવ અધિકાર સંસ્થાના નેશનલ સચિવ ઐયાઝ પટેલનાઓએ કર્યું હતું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com