Geo Gujarat News

વાગરા: સાયખા GIDC માં ગમખ્વાર અકસ્માત સર્જાયો, ઉભેલી ટ્રક પાછળ ભટકાતા મોટરસાઇકલ ચાલકનું કરુણ મોત નિપજ્યું

ટ્રક પાછળ ભટકાય જવાથી સાયખાના યુવકનું મોત નિપજ્યું:- સાયખા જીઆઇડીસી માં પાર્ક કરેલ ટ્રકમાં ભટકાતા સાયખાના યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાદી ફળિયા વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય યુવક કલ્પેશ કુમાર રમણભાઈ રાઠોડનાઓ ગત રાત્રીના લગભગ ૧૦ વાગ્યાના અરસામાં પોતાની હીરો કંપનીની મોટરસાઇકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે-૧૬-બી.ઈ-૫૯૮૭ જે લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈને સાયખા ગામ તરફ આવી રહ્યો હતો.

જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલ વાહન ચાલકે પાર્કિંગ લાઈટ તેમજ કોઈ આડસ મુકેલ ન હતી:- તે દરમિયાન સાયખા જીઆઇડીસી માં આવેલ ફાર્મસન ફાર્મા કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર એક ટ્રક ટ્રેલર જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જીજે-૦૬-એ-એક્સ-૭૩૦૨ જે જાહેર રોડની અડીનેજ પાર્ક કરેલ હતી. જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈજ આડસ મુકેલ ન હતી. જેથી રાત્રીના સમયે મોટરસાઇકલ ચાલકને પાર્ક કરેલ ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાઇકલ ભટકાઈ હતી. ઘટનામાં મોટરસાઇકલ ચાલકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને પગલે કલ્પેશનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી.

GIDC માં આવતા મોટા વાહનોનું આડેધડ પાર્કિંગ જીવલેણ સાબિત થયું?:- ઉલ્લેખનીય છે, કે વિલાયત તેમજ સાયખા જીઆઇડીસી માં જાહેર રોડ ઉપર મોટા વાહનો ખડકી દેવામાં આવે છે. જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થતો હોય છે. ખાસ કરીને APL કંપનીથી લઈ નેરોલેક કંપની સુધી જાહેર માર્ગ ઉપર ટ્રાન્સપોર્ટના મોટા વાહનો ખડકાયેલા જોવા મળે છે. એક તરફ રોડ ઉપર મસમોટા ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે. અને વધુમાં મોટા વાહનો જાહેર માર્ગને અડીને પાર્ક કરવામાં આવે છે. જેને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવે છે. તેમજ અકસ્માતનો પણ ખતરો રહે છે.જાહેર માર્ગ ઉપર પાર્ક કરવામાં આવતા મોટા વાહનો માથાના દુખાવા સમાન બન્યા:- સાયખા જીઆઇડીસી માં સર્જાયેલ અકસ્માત તેનું તાજુ ઉદાહરણ છે. જીઆઇડીસી માં આવતા મોટા વાહનો મનફાવે તેમ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરવામાં આવે છે. કંપનીમાં આવતા મોટા વાહનો કંપની બહાર જાહેર માર્ગ ઉપરજ પાર્ક થતા હોય છે. ત્યારે આવા બેફામ વાહન ચાલકો સહિત કંપની સંચાલકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *