Geo Gujarat News

આમોદ: પાલિકા વિવાદમાં ન આવે તો નવાઈ થાય!, પ્રમુખના વોર્ડમાંજ દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ કચેરીએ પહોંચી

આમોદ નગરપાલિકાના પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વોર્ડમાંજ છેલ્લા એક મહિના ઉપરાંતથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે વારંવાર રજુઆત કરવા છતાંય કોઈ પરિણામ નહી આવતા સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલીકા કચેરીએ પહોચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા અધિકારીએ ગટર સફાઇ કરવાની મૌખિક બાહેંધરી આપતાં રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો.

આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર.૪ મારુવાસમાં છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. જેનાં કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી જાહેરમાં પ્રસરી જતા રહીશોમાં પાલીકા કચેરીના સત્તાધિશો સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. મહોલ્લામાં પોતાના બાળકો પણ રમતા હોય, રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓમાં પાલિકા સત્તાધીશો સામે રોષ ફાટી નીકળ્યો હતો.

જેથી ગતરોજ સાંજના સમયે રોષે ભરાયેલી મહિલાઓએ મોરચો કાઢી આમોદ પાલીકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ઘૂસી જઈ દુર્ગંધ મારતી ઉભરાતી ગટરો બાબતે ઉગ્ર રજુઆત કરી હતી. જોકે મુખ્ય અઘિકારી પંકજ નાયકે નેશનલ હાઇવે નંબર ૬૪ પાસે ભૂગર્ભ ગટરની લાઈન ડેમેજ થઈ હોવાની કેફીયત રજૂ કરતા મહિલાઓનો ગુસ્સો શાંત પાડ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાવાની સમસ્યા છે, તેમ છતાં પાલિકા તંત્ર કામ કરતું નથી. જો આવતી કાલે ગટરોની સફાઇ નહી કરવામાં આવે તો બધું જ કીચડ ભરીને પાલિકા કચેરીમા નાંખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.પાલિકાના કર્મચારીએ ગટર સાફ કરવાનાં એક હજાર રૂપિયા માંગતાં મુખ્ય અધિકારીને રજુઆત કરાઈ! :-  આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના મારુવાસની મહિલાઓએ પોતાના વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટરો અંગે રજૂઆત કરવાં માટે આવી હતી. દુર્ગંધ મારતી ગટરોથી સ્થાનિકો પરેશાન બન્યાં હતાં. પાલિકાના સત્તાધિશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરતું નથી. ત્યારે પાલિકાના એક કર્મચારીએ સ્થાનિકો પાસેથી ગટર સાફ કરવાનાં એક હજાર રૂપિયાની માંગણી કરતા મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો.અને જણાવ્યુ હતુ કે, અમો ગટર વેરો ભરીએ છીએ છતાં અમારે હજાર રૂપિયા આવવાના? જેની મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તપાસનાં આદેશ આપી આવા કર્મચારી સામે કાયદાકીય કાયૅવાહી કરવાની સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *