ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ વાગરા તાલુકાના સારણ ગામે આશરે ૨૦ દિવસ પહેલા થયેલી ૩૦.૮૫ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી, દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારની એક કુખ્યાત ચોર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. LCB એ આ ચોરીમાં સંડોવાયેલા એક મુખ્ય આરોપીને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.
ગત ૦૩ જુલાઈ, ૨૦૨૫ ના રોજ રાત્રિના સમયે સારણ ગામમાં એક મકાનમાંથી રૂ. ૩૦,૮૫,૦૦૦/- ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ ચોંકાવનારી ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ભરૂચ LCB ટીમે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન, LCB ને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય ચોર ટોળકીનો હાથ છે. આ બાતમીને આધારે, LCB ની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી. ત્યાં, ગ્રામ્ય વિસ્તારોની જટિલ ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલ ગુપ્ત માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી.
આ સઘન તપાસના અંતે, LCB એ સારણ ગામમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા મુખ્ય આરોપી વિજય દિપાભાઈ નાનીયા પલાસ (રહે. આમલી ખજૂરીયા, જિ. દાહોદ) ને ઝડપી પાડ્યો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, આરોપી વિજય પલાસે સ્વીકાર્યું હતું કે તેણે પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ૦૨ જુલાઈ, ૨૦૨૫ ના રોજ આ ગુનો આચર્યો હતો. ચોરી કરેલા મુદ્દામાલમાં મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપી વિજય દિપાભાઈ નાનીયા પલાસ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેને વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ ચોરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કોણ છે? ચોરીનો મુદ્દામાલ કેવી રીતે રિકવર કરવો? અને વોન્ટેડ આરોપીઓને કેવી રીતે ઝડપી પાડવા? તે અંગે વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. LCB દ્વારા પર્દાફાશ કરાયેલ આ દાહોદ ગેંગના અન્ય ત્રણ મુખ્ય આરોપીઓ હાલ ફરાર છે, જેમાં નિકેશ જવસીંગ પલાસ, અરવિંદ મડીયા મીનામા તેમજ શિવરાજ ધારકા પલાસ જે તમામ આરોપીઓ દાહોદના ગરબાડા વિસ્તારના હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ LCB ની આ સફળતાએ જિલ્લામાં થયેલી આ મોટી ચોરીનો ભેદ ઉકેલીને પ્રશંસનીય કામગીરી કરી છે.
હવે વાગરા પોલીસ બાકીના આરોપીઓને ઝડપી પાડી, ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરે તેની રાહ જોવાઈ રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com