Geo Gujarat News

વાગરા: ચકચારી સારણ ચોરીનો પર્દાફાશ, બે ચોર સહિત ચોરીનું સોનું લેનાર સોની પણ ઝબ્બે, ૧૫ લાખ ઉપરાંતનું સોનુ રિકવર કરાયું

તાજેતરમાં વાગરા તાલુકાના સારણ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત ચોર ટોળકીના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ 19 તોલા જેટલું સોનું જપ્ત કર્યું છે. આ સફળતાએ ચોરોને પડકાર ફેંકીને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કર્યું છે.

સમગ્ર ચોરીની ઘટના અને તપાસનો પ્રારંભ : ગત 3 જુલાઈ, 2025ના રોજ રાત્રિ દરમિયાન સારણ ગામમાં એક મકાનમાં બારી તોડીને ચોરોએ ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. અને ૨૦,૮૫,૦૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ ૧૦ લાખ જેટલી રોકડ રકમ મળી કુલ ૩૦,૮૫,૦૦૦ ના મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો. ચોરી અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાગરા પોલીસ મથકના પી.આઇ એસ.ડી ફુલતરિયા તથા ભરૂચ LCBએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ ચોરી પાછળ દાહોદના ગરબાડા વિસ્તારની એક સક્રિય અને કુખ્યાત ચોર ટોળકીનો હાથ છે. આ બાતમીના આધારે, પોલીસની એક વિશેષ ટીમને તાત્કાલિક દાહોદ જવા માટે રવાના કરવામાં આવી હતી. ત્યાંના દુર્ગમ અને જટિલ ભૌગોલિક વિસ્તારોમાં પોલીસે સ્થાનિક બાતમીદારોની મદદથી ઝીણવટભરી તપાસ ચલાવી હતી. આ સઘન ઓપરેશનના અંતે પોલીસે આ ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિજય દિપાભાઈ પલાસ (રહે. આમલી ખજૂરીયા, તા.ગરબાડા,જી. દાહોદ)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજયે તેના અન્ય સાગરીતો સાથે મળીને 2 જુલાઈ, 2025ના રોજ આ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલા મુદ્દામાલમાં મોટી માત્રામાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને વધુ પૂછપરછ અને તપાસ માટે વાગરા પોલીસને સોંપવામાં આવ્યો હતો.પૂછપરછ બાદ અન્ય આરોપીઓ પણ ઝડપાયા, 19 તોલા સોનુ રિકવર કરાયું : વાગરા પોલીસે આરોપી વિજય પલાસના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તેની કડક પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના અન્ય ત્રણ સાગરીતોના નામ અને ચોરીનો મુદ્દામાલ ક્યાં અને કોને વેચ્યો તેની વિગતો જણાવી હતી. આ માહિતી મળતાંજ વાગરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફુલતરિયાના નેતૃત્વ હેઠળ એક ટીમ તાત્કાલિક ગરબાડા ખાતે જવા રવાના થઈ હતી. પોલીસની ટીમે ગરબાડા ખાતે ત્વરિત કાર્યવાહી કરીને ચોરીનું સોનુ લેનાર અનિલકુમાર અમરતલાલ સોનીને પણ ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા સોનીએ જણાવ્યું હતું, કે તેણે આરોપી વિજય પલાસ પાસેથી લીધેલ સોનાના દાગીના ઓગાળી તેમાંથી ૧૯૦ ગ્રામની સોનાની લગડી બનાવેલ હોવાનું જણાવ્યું હતું. આ સાથેજ પોલીસે અન્ય એક આરોપી નિકેશ જવસિંગ પલાસને પણ ઝડપી પાડ્યો હતો. સાથેજ ૧૫ લાખ ઉપરાંતની કિંમતનું ૧૯ તોલા જેટલું સોનું રિકવર કરી મોટી સફળતા મેળવી છે.
આ ગુનામાં સંડોવાયેલ અરવિંદ મડિયા મીનામાં તેમજ શિવરાજ ધાડકા પલાસ બંને રહે, આમલી ખજુરીયા, તા.ગરબાડા, જી. દાહોડને વોન્ટેડ જાહેર કરી તેઓને પણ ઝડપી લેવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાગરા પોલીસે આ ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને ગુનેગારોને કડક સંદેશ આપ્યો છે, કે પોલીસની નજરથી કોઈ ગુનેગાર છટકી શકશે નહીં. હાલ, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *