વાગરા પંથકમાં આજે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ૫૭ વર્ષીય મનોજભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રીનું અવસાન થયું છે. આ દુર્ઘટનાથી તેમના પરિવાર અને સ્થાનિક સમુદાયમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મનોજભાઈ મિસ્ત્રી જે ભરૂચના આલી કાછિયાવાડ વિસ્તારના રહેવાસી હતા આજે સવારે લગભગ ૧૦:૦૦ વાગ્યે તેમની બજાજ કંપનીની મોટરસાયકલ પર સાયખા G.I.D.C.માં આવેલી તેમની કંપનીની સાઈટ પર જઈ રહ્યા હતા.
આ અકસ્માત વિલાયત ગામથી વોરાસમની ગામ તરફ જતા રસ્તા પર વિલાયત ગામથી લગભગ એક કિલોમીટર દૂર થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનોજભાઈની મોટરસાયકલ અચાનક સ્લીપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મનોજભાઈ મિસ્ત્રીના અકાળ અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યો છે. આ અંગે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com