વાગરા તાલુકાના મુલેર ગામ નજીક મુલેર-ગંધાર માર્ગ પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા ચાર યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બે બાઇક સામસામે ટકરાતાં આ અકસ્માત થયો હતો, જેમાં બન્ને બાઇકને ભારે નુકસાન પહોંચ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનેલા આ યુવકો પાલડી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક પર સવાર યુવકોને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત યુવકોને વાગરાની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. જોકે ઈજાઓ વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ગમખ્વાર ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાયો છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com