ઐતિહાસિક શહેર ભરૂચમાં ચાલતા અનોખા મેઘ મહોત્સવ અંતર્ગત આજે પરંપરાગત છડીનોમ ઉત્સવની ભક્તિ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, અને આ ભવ્ય ઉત્સવના સાક્ષી બન્યા હતા. આ ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ, જાદવ સમાજના છડીદારો દ્વારા છડીને હવામાં ઝુલાવવાની પરંપરા રહી. શહેરના ઘોઘારાવ મહારાજના મંદિરે, છડીદારોએ છડીને હવામાં ઝુલાવીને ભક્તો અને ઘોઘારાવ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા . આ દ્રશ્ય ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર હતું, અને વાતાવરણને આધ્યાત્મિકતાથી ભરી દીધું હતું.
૨૫૦ વર્ષ જૂની પરંપરા, દુકાળમાંથી ઉગારનાર મેઘરાજા : ભરૂચનો આ મેઘ મહોત્સવ, જે શ્રાવણ વદ સાતમથી નોમ સુધી ચાલે છે, તેની પાછળ ૨૫૦ વર્ષ જૂની એક દંતકથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે ‘છપ્પનિયા’ના ભયાનક દુકાળ દરમિયાન, જાદવ સમાજે માટીની મેઘરાજાની મૂર્તિ બનાવીને પૂજા કરી હતી. તેના પરિણામે, મેઘરાજાએ કૃપા વરસાવી અને દુકાળનો અંત આવ્યો. ત્યારથી, દર વર્ષે અષાઢ વદ અમાસના દિવસે મેઘરાજાની મૂર્તિ બનાવીને આ લોકઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે મેઘરાજા પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે.
છડીનોમની ભવ્યતા અને શાહી સવારી : આ મહોત્સવમાં ભોઈ, ખારવા અને વાલ્મિકી સમાજ દ્વારા ૪૦ થી ૬૦ ફૂટ ઊંચી ત્રણ વિશાળ છડીઓ બનાવવામાં આવે છે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. શ્રાવણ વદ નોમના દિવસે, જાદવ સમાજના છડીદારો ભોઈવાડાથી છડીને ઝુલાવતા-ઝુલાવતા ધોળીકુઈ પહોંચે છે. અહીં રાત્રિ રોકાણ બાદ, બીજા દિવસે તે છડીઓ ફરી ભોઈવાડા પરત ફરે છે, જ્યાં તેમનું બીજી જાદવ સમાજની છડી સાથે મિલન થાય છે. આ આખો પ્રસંગ ભરૂચના ઇતિહાસ અને સંસ્કૃતિનું અનોખું પ્રતિબિંબ પાડે છે.
આ મેળાની પૂર્ણાહુતિ, હજારો ભક્તોની હાજરીમાં નીકળતી મેઘરાજાની ભવ્ય શાહી સવારી સાથે થાય છે. આ સવારી અંતે મેઘરાજાની મૂર્તિનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે, જે આ પ્રાચીન અને અનોખા મહોત્સવનો સુખદ અંત લાવે છે. ભરૂચનો આ મેઘ મહોત્સવ માત્ર સ્થાનિકો માટે જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આસ્થા અને ઉત્સવનું કેન્દ્ર બન્યો છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com