અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે મામલતદાર કચેરીમાંથી જીએસટી વિભાગ દ્વારા જપ્ત કરાયેલા શીશાના જથ્થાની ચોરીના ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂપિયા 2.43 લાખથી વધુનો સીસાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમે આ ચોરીના ગુનામાં સામેલ બે આરોપીઓ, સુનિલભાઈ મીઠાલાલ પિનાકિયા અને નિશાર એહમદ બહેતુલ્લા ખાન,ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ અંકલેશ્વર GIDC અને તેની આસપાસના વિસ્તારોમાં રહે છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલા શીશાનો જથ્થો પણ કબજે કર્યો છે. આ જથ્થાનું વજન 1390 કિલોગ્રામ છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 2,43,250/- જેટલી થાય છે. પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમો હેઠળ વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રશંસનીય કામગીરી નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી. યુ. ગડરીયાની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી છે. આ સફળતાથી ચોરીના આ મોટા કેસના મૂળ સુધી પહોંચવામાં પોલીસને વધુ મદદ મળશે તેવી અપેક્ષા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com