ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ સામે જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કચેરીએ સઘન કાર્યવાહી કરીને કુલ 40 કેસ નોંધ્યા છે અને કસૂરવારો પાસેથી 98.72 લાખની રોયલ્ટી વસૂલ કરી છે. તંત્રની આ ઝુંબેશથી રાજ્ય સરકારની તિજોરીને મોટો ફાયદો થયો છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીનો ફિલ્ડ સ્ટાફ સતત કાર્યરત છે. આ ટીમો પ્રાંત અધિકારીઓ અને મામલતદારો સાથે સંકલન કરીને આકસ્મિક તપાસણીઓ કરે છે. ખાસ કરીને ગેરકાયદે ખનિજ ખોદકામ અને તેના વહનને અટકાવવા માટે માર્ગો પર વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે. આ કાર્યવાહી દરમિયાન જે પણ વાહનો કે સ્થળો પર બિનઅધિકૃત ખનિજ પ્રવૃત્તિઓ જણાય છે, તેમની સામે ગુજરાત ખનિજ નિયમો-2017 હેઠળ કડક પગલાં ભરવામાં આવે છે. કચેરીની તપાસ ટીમો નિયમિતપણે ખનિજનું વહન કરતા વાહનોનું ચેકિંગ કરે છે અને ખનિજ લીઝોનું પણ નિરીક્ષણ કરે છે. આ કાર્યવાહીમાં જે કસૂરદારો દંડની રકમ ભરવાનો ઇન્કાર કરે છે, તેમની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આનાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની આ સતત અને સઘન કામગીરીથી ભવિષ્યમાં પણ ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે અને સરકારને મહેસૂલી આવકમાં વધારો થશે. આ સફળતા દર્શાવે છે કે સરકાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com