Geo Gujarat News

વાગરા: વિલાયત-ડેરોલ માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ બન્યા મુસાફરો, ST બસ ખાડામાં ફસાઈ

ખરાબ રસ્તા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે વિલાયત-ડેરોલ માર્ગ પર ST બસ ખાડામાં ફસાઈ : વાગરાથી ભરૂચ જતી ST બસ વિલાયત-ડેરોલ માર્ગ પર ખાડામાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સદ્દનસીબે બસ પલટી ખાતા રહી ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીનો મુદ્દો ઉઠાવ્યો છે.

વિલાયત-ડેરોલ માર્ગ પર ST બસ ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીને કારણે સર્જાઈ ઘટના : રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકો સહિતના મુસાફરોને લઈને વાગરાથી ભરૂચ જઈ રહેલી ST બસ વિલાયત-દેરોલ માર્ગ પર આવેલા એક મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. પરિણામે બસ એક તરફ નમી પડતા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો. કેટલાક મુસાફરોએ તો ભયના માર્યા ઈમરજન્સી દરવાજો ખોલીને નીચે ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું. જોકે, બસ પલટી ખાતા રહી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જો બસ પલટી ગઈ હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી.

કોન્ટ્રાક્ટરની આળસ અને તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બન્યા વાહનચાલકો : વિલાયત-દેરોલ માર્ગની હાલત અત્યંત દયનીય છે. આ માર્ગ પરથી પસાર થવું વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે. સ્થાનિક વાહનચાલકો તો આ ખખડધજ રસ્તાને ટાળવા માટે આંકોટ, રહાડ અને કેલોદ થઈને 5-6 કિલોમીટરનો વધારાનો ફેરાવો લરીને દેરોલ જવાનું પસંદ કરી રહ્યા છે. આ કોઈ પહેલી ઘટના નથી આ પહેલાં પણ આ રસ્તાને કારણે અનેક વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને GIDCમાં કામ કરતા નોકરિયાત વર્ગના લોકો આ રસ્તાને કારણે રોજ હાલાકી ભોગવી રહ્યા છે. આ માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું હોવા છતાં ચોમાસાને કારણે કામ અટકી ગયું છે. કોન્ટ્રાક્ટરે આખા રસ્તાને ખોદી કાઢ્યા બાદ કામ અધૂરું છોડી દીધું છે, જેના કારણે સિંગલ લાઈન પર જ વાહનો ચાલી રહ્યા છે. પરિણામે, ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની ગઈ છે.

અધૂરા કામ અને બેદરકારીને કારણે કોન્ટ્રાક્ટર જવાબદાર, વિલાયત-ડેરોલ માર્ગ પર વાહનચાલકોની મુશ્કેલી યથાવત્ : કોન્ટ્રાક્ટરની બેદરકારી ઉપરાંત સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. વાહનચાલકો અને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા હોવા છતાં તંત્ર જાણે તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જવાબદારીપૂર્વક નિર્ણય લેવાને બદલે સત્તાધિશોએ આ સમસ્યાને અવગણી હોવાનું ફલિત થઈ રહ્યું છે. નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપવાને બદલે તેઓ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. વાહનચાલકોની એક જ માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં આ રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને લોકોને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે. જો તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે. આશા રાખીએ કે સત્તાધિશો જાગે અને નાગરિકોના જીવ અને સંપત્તિની રક્ષા કરે.

વરસાદનું બહાનું આપી કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું, વિલાયત-ડેરોલ માર્ગ પર ખાડાઓ યથાવત્, વાહનચાલકો હેરાન : આ માર્ગનું નવીનીકરણ કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા સમય પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ, આ પ્રોજેક્ટમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સ્પષ્ટતા કે નક્કર કાર્યવાહી જોવા મળતી નથી. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા જ્યારે પણ આ બાબતે પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટર માત્ર નવા વાયદાઓ કરીને વાત ટાળી દે છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં પહેલાં જ કામગીરી પૂર્ણ કરવાને બદલે, કોન્ટ્રાક્ટરે આખા રસ્તાને ખોદી નાખીને તેને અધૂરી અને જોખમી હાલતમાં છોડી દીધો છે. આ પ્રકારની બેદરકારી માત્ર નાગરિકોને હાલાકી જ નથી પહોંચાડી રહી, પરંતુ તે કોન્ટ્રાક્ટરની ગંભીરતા અને વ્યાવસાયિક જવાબદારી પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ અગાઉ પણ, કોન્ટ્રાક્ટર દ્વારા નિશ્ચિત સમયમર્યાદામાં કામ પૂરું ન કરવાના કિસ્સાઓ બન્યા છે, જે આ માર્ગની દયનીય સ્થિતિ માટે સીધી રીતે જવાબદાર છે.

વહીવટી તંત્રની આળસ અને જવાબદારીનો અભાવ : આ માર્ગની ખરાબ હાલત અને તેના કારણે સર્જાતી સમસ્યાઓ વિશે સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. તંત્રની જવાબદારી માત્ર કોન્ટ્રાક્ટરને કામ સોંપવાની નથી, પરંતુ કામગીરીની પ્રગતિ પર દેખરેખ રાખવાની અને સમયસર કામ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાની પણ છે. હાલની પરિસ્થિતિ જોતાં સ્પષ્ટ જણાય છે કે તંત્રએ કોન્ટ્રાક્ટરને છૂટો દોર આપ્યો છે અને નાગરિકોની હાલાકીને અવગણી છે. જાણે કે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાં સુધી તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ બેદરકારી માત્ર વિકાસના કાર્યોમાં વિલંબ જ નથી દર્શાવતી, પરંતુ નાગરિકોની સલામતી અને કલ્યાણ પ્રત્યે તંત્રના ઉદાસીન વલણને પણ ઉજાગર કરે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *