Geo Gujarat News

આમોદ પાલિકામાં રાજકીય ગરમાવો, ભાજપના પ્રમુખે અપક્ષ સભ્યની SMC કમિટીમાં ભલામણ કરતા વિવાદ!

આમોદ પાલિકા પ્રમુખ જલ્પા પટેલ સામે પક્ષના જ સભ્યોનો રોષ, રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ : આમોદ નગરપાલિકામાં હાલ રાજકીય હલચલ તેજ બની છે. ભાજપના પ્રમુખ જલ્પા પટેલે આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 1ની નવી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) માટે અપક્ષ નગરસેવક રોહિત માછીના નામની ભલામણ કરતાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાએ ભાજપના સ્થાનિક સભ્યોમાં નારાજગી ફેલાવી છે અને આમોદના રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આમોદ પ્રાથમિક મિશ્ર શાળા નંબર 1 દ્વારા નવી SMC કમિટી બનાવવા માટે નગરપાલિકા પાસેથી ચૂંટાયેલા પ્રતિનિધિનું નામ માંગવામાં આવ્યું હતું. આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પા પટેલે પોતાના સહી-સિક્કા સાથે નગરપાલિકાના લેટરપેડ પર વોર્ડ નંબર 6ના અપક્ષ સભ્ય રોહિત માછીના નામની ભલામણ કરી. આ ઘટનાથી વોર્ડ નંબર 6ના ભાજપના ચૂંટાયેલા સભ્યો ઉષા પટેલ અને કમલેશ સોલંકીમાં ભારે રોષ જોવા મળ્યો. તેમણે જણાવ્યું કે શાળા તેમના વોર્ડમાં આવે છે, અને તેઓ સત્તાધારી પક્ષના સભ્યો હોવા છતાં, પ્રમુખે તેમને વિશ્વાસમાં લીધા વિના અપક્ષ સભ્યના નામની ભલામણ કરી છે.

SMC કમિટીની રચનામાં રાજકીય ડ્રામા, આમોદ પાલિકાના પ્રમુખે ભાજપ સભ્યોને અવગણીને અપક્ષ સભ્યની ભલામણ કરી. : નોંધનીય છે, કે આ પહેલીવાર નથી જ્યારે પ્રમુખ જલ્પા પટેલે અપક્ષ સભ્યો પર ભરોસો મૂક્યો હોય. અગાઉ, ખેતીવાડી બજાર સમિતિના ડિરેક્ટરની ચૂંટણીમાં પણ તેમણે અન્ય કોઈ સભ્યને જાણ કર્યા વગર પોતાના જ નામની ભલામણ કરી હતી. સામાન્ય સભામાં અપક્ષ સભ્યોના સમર્થનથી તેઓ આ પદ પર ચૂંટાઈ આવ્યા હતા. આ ઘટનાઓને કારણે નગરજનોમાં પણ પ્રશ્નો ઉભા થયા છે કે ભાજપના પ્રમુખ અપક્ષ સભ્યો પર આટલા મહેરબાન કેમ છે. આ મામલે, વોર્ડ નંબર 6ના ભાજપ સભ્યોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને આમોદ શહેર સંગઠન પ્રમુખ તેમજ મહામંત્રીઓને જાણ કરી છે. આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદીએ જણાવ્યું કે તેમને પણ આ બાબતની જાણ બે દિવસ પહેલાં જ થઈ છે. તેમણે કહ્યું કે તેઓ મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને પ્રમુખ સામે યોગ્ય કાર્યવાહી કરશે.

આ સમગ્ર મામલે પ્રમુખ જલ્પા પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા, તેઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી. હાલમાં પ્રમુખના આ નિર્ણયને કારણે આમોદ પાલિકાનું રાજકારણ ગરમાયું છે. ભાજપના પ્રમુખ અને સ્થાનિક સભ્યો વચ્ચેના આ આંતરિક સંઘર્ષને કારણે ભવિષ્યમાં આમોદના રાજકારણમાં કંઈક મોટો ફેરફાર થવાની શક્યતા છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *