અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં કૂદીને આપઘાત કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે, આ વખતે સમયસર પહોંચેલા લોકોની સમયસૂચકતાને કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો. આજરોજ સાંજના સમયે એક પરણિત મહિલા પોતાનું જીવન ટૂંકાવવા માટે નર્મદા મૈયા બ્રિજ પર પહોંચી હતી. તે નદીમાં છલાંગ લગાવવા જતી હતી, તે પહેલાં જ ત્યાંથી પસાર થઈ રહેલા એક રીક્ષાચાલક અને અન્ય રાહદારીઓએ તેને જોઈ લીધી હતી. તેમણે તુરંત મહિલાને પકડી પાડી અને તેને આવું પગલું ભરતા અટકાવી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મહિલાને સુરક્ષિત રીતે પોલીસ ચોકી લઈ જઈ તેની પૂછપરછ શરૂ કરી છે. હાલ મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કેમ કર્યો તે અંગે વધુ વિગતો જાણવા મળી નથી.
ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના પ્રયાસો અને મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બ્રિજની બંને બાજુએ સેફ્ટી જાળી લગાવવાના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. આ કામ હાલ પ્રગતિમાં છે, પરંતુ આવા બનાવો વારંવાર બનતા હોવાથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com