ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના ABC સર્કલ નજીકથી દારૂ ભરેલી એક મારૂતિ ઈકો કારને ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર ટીન સહિત કુલ રૂ. 1,56,025 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત, કાર સહિત કુલ રૂ. 6.61 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ ઈકો ગાડી (નંબર GJ-05-JK-3340)માં દારૂનો જથ્થો ભરીને અંકલેશ્વરથી આમોદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે, એલ.સી.બી. ટીમે ABC સર્કલ નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા જ તેને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, કારમાંથી વિદેશી દારૂની કુલ 188 બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 1,56,025 હતી. પોલીસે તાત્કાલિક દારૂનો જથ્થો અને કાર જપ્ત કરી હતી.
પોલીસે કારના ડ્રાઈવર અશ્વિનભાઈ ઠાકોરભાઈ વાઘેલા (ઉં.વ. 30, રહે. ભેસ્તાન, સુરત)ની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ સફારી કોમ્પ્લેક્સ પાસેથી છૂટક મેળવીને આમોદ લઈ જઈ રહ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ, બિયર ટીન, અને કાર સહિત કુલ રૂ. 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com