અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સર્વોદય સ્કૂલ ખાતે સાયકલ ચોરીની ઘટના સામે આવી છે. સ્કૂલના પાર્કિંગમાં પાર્ક કરેલી એક વિદ્યાર્થીનીની સાયકલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ, ધોરણ 11માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની રોજની જેમ પોતાની સાયકલ લઈને સ્કૂલે પહોંચી હતી અને સાયકલને સ્કૂલના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન, એક અજાણ્યો વ્યક્તિ પાર્કિંગમાં ઘૂસ્યો અને તાળું તોડીને સાયકલ ચોરી લીધી હતી. ચોર સાયકલ લઈને ભાગી જતાં આસપાસના લોકોએ કંઈક અજુગતું બન્યું હોવાનું ધ્યાને લીધું હતું. ઘટનાની જાણ થતાં જ સ્કૂલ તંત્રએ તત્કાળ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાર્કિંગમાં પ્રવેશ કરે છે અને થોડી જ વારમાં સાયકલ લઈને ભાગી જાય છે. આ ફૂટેજ સાથે સ્કૂલ તંત્ર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખ્સની ઓળખ કરીને તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com