આમોદ નગરપાલિકાનું કડવું સત્ય, “આઈ લવ આમોદ” બોર્ડ ગંદકીના ઢગલા પર! : આમોદ નગરપાલિકા દ્વારા શહેરની સુંદરતા વધારવાના ઉદ્દેશ્ય સાથે નેશનલ હાઇવે નંબર 64 નજીક “આઈ લવ આમોદ”નું ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ આ બોર્ડ જે જગ્યાએ લગાવવામાં આવ્યું છે. તે જોઈને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકાનું આંધળું આયોજન, ગટર અને ગંદકીના સામ્રાજ્ય પર “આઈ લવ આમોદ” બોર્ડ! : આ બોર્ડ નગરપાલિકાની બેદરકારી અને સરકારી નાણાંના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બોર્ડ એવી જગ્યાએ લગાવવામાં આવ્યું છે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે. આ જ સ્થળે ભૂગર્ભ ગટરનો વાલ્વ લીકેજ છે, જેમાંથી સતત દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે. આ ઉપરાંત, પાણી વિતરણની લાઈનનો વાલ્વ પણ ત્યાં જ આવેલો છે, અને સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે. આટલી ગંદકી વચ્ચે “આઈ લવ આમોદ” જેવું બોર્ડ લગાવવું એ નગરપાલિકાની અણઆવડત દર્શાવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, જે બોર્ડ શહેરની સુંદરતાને પ્રતિબિંબિત કરવાનું છે. તે જ બોર્ડ કચરાપેટીની બરાબર ઉપર લગાવવામાં આવ્યું છે. આના કારણે કેટલાક જાગૃત નાગરિકો આ બોર્ડને “આઈ લવ આમોદ” નહીં, પરંતુ “આઈ લવ કચરો આમોદ” કહી રહ્યા છે. આ પરિસ્થિતિએ નગરજનોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. અને તેઓ સત્તાધીશોની વિચારશક્તિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
જોખમી સ્થિતિ અને લોકોનું આરોગ્ય જોખમમાં : આ ગંદકી માત્ર દેખાવની સમસ્યા નથી, પરંતુ આમોદના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો કરી રહી છે. લીકેજ ગટર અને પાણીની લાઇન એકબીજાની નજીક હોવાથી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી ભળી જવાની પૂરી શક્યતા છે. આ પ્રકારનું પાણી પીવાથી ઝાડા, ઉલટી, ટાઈફોઈડ જેવા રોગો ફેલાઈ શકે છે. નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ આ સ્થિતિ નગરપાલિકાના દાવાઓની પોલ ખોલી રહી છે. સત્તાધીશોએ સુંદરતાના બોર્ડ લગાવવાને બદલે પહેલા પ્રાથમિક સુવિધાઓ અને સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ જેથી લોકોનું જીવન અને આરોગ્ય જોખમમાં ન મુકાય.
વિપક્ષનો સત્તાધીશો પર આકરા પ્રહાર : આ મુદ્દે વિપક્ષે પણ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ આ ઘટનાને નગરપાલિકાની નિષ્ફળતા ગણાવી છે. અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ બોર્ડ માત્ર એક શોભાના ગાંઠિયા સમાન છે, જેનો એકમાત્ર હેતુ સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો છે. જ્યારે શહેરના નાગરિકો ગંદકી, દુર્ગંધ અને બીમારીના જોખમમાં જીવી રહ્યા છે. ત્યારે સત્તાધીશો માત્ર દેખાવના કામો કરી રહ્યા છે.
“આઈ લવ આમોદ”ની અવદશા, વિવાદિત બોર્ડથી શહેરની છબી ખરડાઈ. : આ ઉપરાંત આ ડિજિટલ બોર્ડ માટે લાઈટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે રાત્રિના સમયે તે સંપૂર્ણપણે નિરર્થક બની જાય છે. નગરપાલિકાના સત્તાધીશોએ આ પ્રકારના નિર્ણયો લેતા પહેલા સ્થળની યોગ્ય ચકાસણી કરવી જોઈતી હતી. નાગરિકો માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા આ બોર્ડને યોગ્ય જગ્યાએ ખસેડે અને આસપાસની ગંદકી તાત્કાલિક દૂર કરે. જો આ મામલે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com