Geo Gujarat News

આમોદમાં રખડતા ઢોરનો આતંક, પેરાલિસિસથી પીડિત નાગરિક ગાયની અડફેટે ગંભીર રીતે ઘાયલ, તંત્રની જવાબદારીનો અભાવ

આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી, અધિકારીઓની ઉદાસીનતાએ નાગરિકોના જીવ જોખમમાં મૂક્યા : આમોદ શહેર રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી રહ્યું છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશો અને મુખ્ય અધિકારી આંખ આડા કાન કરી રહ્યા છે. અગાઉ અનેક રજૂઆતો અને મીડિયાના અહેવાલો છતાં, મુખ્ય અધિકારી પોતાના એ.સી. ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી લેતા નથી. જેના પરિણામે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે.

નગરપાલિકા સામે ઉગ્ર રોષ, મુકેશભાઈ દરજીના અકસ્માત બાદ કાર્યવાહીની માંગ તેજ. : તાજેતરમાં પેરાલિસિસથી પીડિત એક નાગરિક ગાયની અડફેટે આવતા લોહીલુહાણ થયા હતા. જે નગરપાલિકાની નિષ્ક્રિયતાનો જીવતો જાગતો પુરાવો છે. આમોદના બગાસિયા ચોળા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ દરજીને રખડતી ગાયે માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જો સ્થાનિકો સમયસર તેમને બચાવવા ન દોડ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે નગરપાલિકા માત્ર કાગળ પર સ્વચ્છતા અને સુરક્ષાના દાવા કરે છે. વાસ્તવિકતામાં તો લોકો મૃત્યુના મુખમાં જીવી રહ્યા છે.4 લાખનો ખર્ચ નિરર્થક? ઢોર ડબ્બાના રિપેરિંગ પાછળના ખર્ચ પર સવાલ. : આમોદ નગરપાલિકા પાસે ઢોર પકડવાની કોઈ સુવિધા નથી તેવા બહાના હેઠળ તાજેતરમાં જ ઢોર ડબ્બાના સમારકામ માટે 4 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ જો એક પણ ઢોર પકડવામાં ન આવતું હોય તો આ નાણાંનો દુરુપયોગ થયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રજાના પૈસે થતા આ પ્રકારના નિરર્થક ખર્ચ પર કોનું ધ્યાન છે? શું આ પાછળ કોઈ ભ્રષ્ટાચાર છુપાયેલો છે?તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીનો અભાવ : આમોદ નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યા ઉકેલવામાં આવતી નથી, જે તંત્રની સંપૂર્ણ નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવને દર્શાવે છે. જ્યારે કોઈ નાગરિક ગંભીર અકસ્માતનો ભોગ બને છે, ત્યારે જ તંત્રની આંખ ઉઘડે છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે? આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય. લોકોનો જીવ અને સુરક્ષા નગરપાલિકાની પ્રાથમિકતા હોવી જોઈએ, માત્ર કાગળ પરના આયોજનો કરવાથી સમસ્યા હલ નહીં થાય.સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાંની માંગ : આ સમસ્યાના નિરાકરણ માટે હવે નાગરિકોએ કડક પગલાં ભરવાની માંગ કરી છે. માત્ર કાગળ પરના આયોજનો કરવાને બદલે, નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવી જોઈએ. આ ટાસ્ક ફોર્સમાં પશુ પકડનારાઓ, પોલીસ અને સ્થાનિક સ્વયંસેવકોનો સમાવેશ કરવો જોઈએ. વધુમાં પશુ માલિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને દંડ વસૂલવામાં આવે તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે છે. જ્યાં સુધી નગરપાલિકા નક્કર કામગીરી નહીં કરે, ત્યાં સુધી આમોદના નાગરિકોનો જીવ જોખમમાં જ રહેશે. જો આમોદ નગરપાલિકા હવે પણ નહીં જાગે અને કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાશે તો તેની સીધી જવાબદારી મુખ્ય અધિકારીની રહેશે. લોકોમાં ઉગ્ર રોષ છે અને તેઓ હવે આંદોલન માટે તૈયાર થઈ રહ્યા છે. શું નગરપાલિકા કોઈનો જીવ ગયા બાદ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે?યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *