આમોદ શહેરના જનહિતને ધ્યાનમાં રાખીને, દરબારી હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કૈલાશ કેન્સર હોસ્પિટલ, ગોરજ, વડોદરા દ્વારા આયોજિત આ શિબિરમાં 80 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. સામાજિક કાર્યકર અને કોરોનાકાળમાં જરૂરિયાતમંદોની સેવા કરનાર યુનુસ પટેલ (યુનુસ દાદા) ના હસ્તે આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, રક્તદાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. “રક્તદાન એ જ મહાન સેવા છે, જે અનેક જીવો બચાવી શકે છે. એક યુનિટ રક્ત ત્રણ અલગ-અલગ દર્દીઓ માટે ઉપયોગી થઈ શકે છે,” એમ સમજાવીને લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ કેમ્પમાં 80 જેટલા યુવાનો અને ડૉક્ટર સહિત કેટલીક મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌ કોઈએ “એક યુનિટ રક્તથી કોઈની આખી જિંદગી બની શકે છે”ના ઉમદા હેતુ સાથે રક્તદાન કરી, રક્તદાનને એક મહાન તહેવાર તરીકે ઉજવ્યો. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ રક્તની અછતને દૂર કરીને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર મદદરૂપ થવાનો હતો. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કૈલાશ કેન્સર હોસ્પિટલ તરફથી પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. આ શિબિર “રક્ત આપી બીજાને આશા આપો” અને “રક્તદાન એ જ જીવનદાન” સૂત્રને સાર્થક કરતી બની રહી હતી.
હોસ્પિટલોમાં રોજેરોજ દર્દીઓને રક્તની જરૂર પડે છે. અકસ્માત, મોટી સર્જરી, કેન્સરની સારવાર, થેલેસેમિયા અને અન્ય ગંભીર બીમારીઓમાં દર્દીઓને સતત રક્તની જરૂર પડે છે. આ જરૂરિયાત ફક્ત સ્વૈચ્છિક રક્તદાનથી જ પૂરી થઈ શકે છે, કારણ કે માનવ રક્તને લેબોરેટરીમાં બનાવી શકાતું નથી.
રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી, પરંતુ એક સામાજિક જવાબદારી પણ છે. તે સમાજમાં એકતા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે, ત્યારે તે માત્ર એક દર્દીને જ નહીં, પરંતુ તેના આખા પરિવારને આશા આપે છે અને સમાજમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું કરે છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com