Geo Gujarat News

આમોદ નેશનલ હાઈવે 64 પર રખડતા પશુઓનો ત્રાસ, અકસ્માતનો ભય, તંત્ર નિષ્ક્રિય, જવાબદાર કોણ? વાહનચાલક, પશુ, કે નિષ્ક્રિય તંત્ર?

આમોદ નેશનલ હાઈવે 64 ફરી એકવાર બેદરકારી અને લાપરવાહીનું કેન્દ્ર બન્યો છે. પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપની સામે જ એક અજાણ્યા વાહનચાલકે રસ્તા પર રખડતી એક ગાયને જોરદાર ટક્કર મારીને ફેંકી દીધી હતી. આ ઘટનામાં ગાયને ગંભીર ઈજાઓ થઈ હતી. સદનસીબે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલા ગિરીશ માછી અને તેમના મિત્રોએ ગાયને પાણી અને ઘાસચારો આપી ઊભી કરી હતી. અને તેના માલિકને જાણ કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર રખડતા પશુઓ અને તંત્રની નિષ્ક્રિયતાનો મુદ્દો સપાટી પર લાવ્યો છે.

પશુપાલકોની બેદરકારીથી રખડતા પશુઓનો ત્રાસ, વાહનચાલકો અકસ્માતનો ભોગ. : સ્થાનિક નાગરિકોએ પશુપાલકો પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું છે કે, આ લોકો ગાયનો ઉપયોગ ફક્ત દૂધ મેળવવા માટે જ કરે છે અને દૂધ આપવાનું બંધ કરે એટલે તેને રખડતી છોડી મૂકે છે. આ પ્રકારની બેદરકારીને કારણે જાહેર જનતા તો હેરાન થાય જ છે. પરંતુ મૂંગા પશુઓ પણ અકસ્માતનો ભોગ બને છે. લોકોનો સીધો સવાલ છે, કે જો ગાય માતા દૂધ આપવાનું બંધ કરી દે તો તેને પાંજરાપોળ કે ગૌશાળામાં કેમ મૂકવામાં આવતી નથી?આમોદ નગરપાલિકાનો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન : આમોદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો ઢોર ડબ્બો પણ ફક્ત શોભાના ગાંઠિયા સમાન સાબિત થયો છે. શહેરમાં ઠેર ઠેર મોટી સંખ્યામાં રખડતા પશુઓ જોવા મળે છે. જે ટ્રાફિક અને જાહેર સલામતી માટે મોટો ખતરો છે. જો ઢોર ડબ્બો કાર્યરત હોત તો આવી ઘટનાઓ બનતી અટકી શકાત. આ સ્થિતિને કારણે નગરજનો નગરપાલિકાની કામગીરી પર પણ ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. લોકોના મતે નગરપાલિકા માત્ર ટેક્સ ઉઘરાવવામાં રસ ધરાવે છે. પરંતુ નગરજનોની સુખાકારી અને સુરક્ષાને અવગણે છે.કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? : આમોદ નેશનલ હાઈવે પર ઠેર ઠેર રખડતા પશુઓને કારણે વાહનચાલકોમાં પણ અકસ્માતનો ભય રહે છે. જો આજના બનાવમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેનો જવાબદાર કોણ હોત? શું તેનો દોષ વાહનચાલકનો છે? કે પછી રસ્તા પર આવેલી ગાયનો? ખરેખર તો આ ઘટનાઓ માટે જવાબદાર પશુપાલકો અને નિષ્ક્રિય વહીવટી તંત્ર છે. તાત્કાલિક અને કડક પગલાં લેવામાં ન આવે તો ભવિષ્યમાં આવા અકસ્માતોમાં નિર્દોષ લોકોનો જીવ પણ જઈ શકે છે. આમોદની જનતાની એક જ અપેક્ષા છે કે તંત્ર પોતાની જવાબદારી સમજે અને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે, જેથી લોકો અને પશુઓ બંને સુરક્ષિત રહી શકે.સમસ્યાના સમાધાન માટે નક્કર પગલાંની જરૂર : આ સમસ્યા માત્ર પશુઓ કે વાહનચાલકો પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર નગરની સલામતી અને વ્યવસ્થા માટે એક પડકાર છે. આનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્રએ કેટલીક નક્કર પહેલ કરવી પડશે. પ્રથમ, નગરપાલિકાએ તેના લાખોના ખર્ચે બનેલા ઢોર ડબ્બાને કાર્યરત કરવો જોઈએ અને ત્યાં પૂરતા સંસાધનો પૂરા પાડવા જોઈએ. બીજું, રખડતા પશુઓના માલિકો સામે દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. જો કોઈ પશુને રસ્તા પર રખડતું છોડી દે તો તેના માલિકને જવાબદાર ગણીને સજા થવી જોઈએ. આ ઉપરાંત, સ્થાનિક સંગઠનો અને સ્વયંસેવકોના સહયોગથી પશુઓને પકડવાની ઝુંબેશ ચલાવવી અને તેમને ગૌશાળા કે પાંજરાપોળમાં સુરક્ષિત રીતે ખસેડવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. આ પ્રકારના સંયુક્ત પ્રયાસો જ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકશે અને જાહેર માર્ગોને સલામત બનાવી શકશે.આમોદ: નગરપાલિકાના ગેટ પર જ ગાયોનો અડીંગો, તંત્રની બેદરકારીની પરાકાષ્ઠા: આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટ પર જ ગાયોનો અડીંગો જોઈને સ્થાનિક રહીશો અને વાહનચાલકો આશ્ચર્ય અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. જે સંસ્થાએ શહેરમાંથી રખડતા પશુઓને દૂર કરવાની જવાબદારી નિભાવવાની હોય, તેના જ પ્રવેશદ્વાર પર મોટી સંખ્યામાં ગાયોનો જમાવડો જોવા મળે છે. આ દ્રશ્ય તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાની પરાકાષ્ઠા દર્શાવે છે. નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ રોજ આ રસ્તેથી પસાર થતા હોવા છતાં, આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. લોકોના મતે, જ્યારે પાલિકા પોતાના જ ગેટની આસપાસની સમસ્યા ઉકેલી શકતી નથી, તો આખા નગરની સુરક્ષા અને સ્વચ્છતાની જવાબદારી કેવી રીતે નિભાવશે? આ સ્થિતિ નગરજનો માટે અકસ્માત અને ગંદકીનો ભય ઉભો કરી રહી છે, અને તંત્રની “જાડી ચામડી”નું વધુ એક ઉદાહરણ પૂરું પાડે છે.હાઈવે પર પશુઓનો અડીંગો, અકસ્માતોનું મુખ્ય કારણ : નેશનલ હાઈવે 64 પર ગાયો અને અન્ય પશુઓનો અડીંગો અવારનવાર જોવા મળે છે, જેના કારણે અકસ્માતોનો ભય સતત રહે છે. રાત્રિના સમયે વાહનચાલકોને આ પશુઓ દેખાતા નથી, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતોમાં માત્ર વાહનોને નુકસાન જ થતું નથી, પરંતુ નિર્દોષ લોકોનો જીવ પણ જોખમમાં મુકાય છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ ગણાશે? વાહનચાલક? કે રસ્તા પર રખડતા પશુઓ? ખરેખર તો, આ પરિસ્થિતિ માટે જવાબદાર બેદરકાર પશુપાલકો અને નિષ્ક્રિય તંત્ર છે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *