અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવેલા છઠ પૂજાના જળકુંડમાં ડૂબી જવાથી એક 5 વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે. જોકે, અન્ય એક બાળકનો આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત અનુસાર ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં છઠ પૂજા માટે એક જળકુંડ બનાવવામાં આવ્યો છે. હાલના વરસાદી માહોલને કારણે આ કુંડ પાણીથી છલોછલ ભરાયેલો હતો. શુક્રવારની સાંજે નજીકમાં રમી રહેલા બે બાળકો અચાનક આ કુંડમાં પડી ગયા. આસપાસ હાજર લોકોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી. પરંતુ, કમનસીબે એક 5 વર્ષીય બાળકને બચાવી શકાયો ન હતો. જ્યારે બીજા બાળકને સમયસર બહાર કાઢી લેવાતા તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બાળકના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો અને આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી.ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, મોડી રાત્રે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. સ્થાનિક લોકોએ આ મામલે ન્યાયની માંગ સાથે જણાવ્યું હતું કે આવા ખુલ્લા જળકુંડ અથવા ખાડાઓ બાળકો માટે જોખમી બની શકે છે. ખાસ કરીને તહેવારો માટે બનાવવામાં આવતી આવી અસ્થાયી રચનાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે.
ગડખોલના મહેન્દ્રનગર જેવા વિસ્તારોમાં જ્યાં બાળકોની સંખ્યા વધુ હોય ત્યાં આવી જગ્યાઓની આસપાસ પૂરતી સુરક્ષા અને ફેન્સિંગ લગાવવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે. આ દુર્ઘટનાએ સમાજને એક ગંભીર ચેતવણી આપી છે કે જાહેર સ્થળોએ બાળકોની સુરક્ષા માટે તંત્ર અને સમાજે સાથે મળીને કામ કરવું પડશે. આ દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર આવા જોખમી સ્થળોની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરશે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com