Geo Gujarat News

અંકલેશ્વર: GIDC માં વિકાસના નામે કૌભાંડનો રોડ! બે વર્ષમાં જ રસ્તાઓ તૂટ્યા, રસ્તા બન્યા કે ભ્રષ્ટાચારના પુરાવા?, વાહનચાલકો પરેશાન

ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું અંકલેશ્વર જીઆઇડીસી હવે ‘ખાડાઓની નગરી’ બની ગયું હોઈ તેમ પ્રતિત થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે બે વર્ષ પહેલાં જ બનેલા રસ્તાઓની હાલત એવી થઈ છે કે, તે વિકાસના નહીં પણ ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા બની ગયા છે. આ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. જે વાહનચાલકો માટે જીવનું જોખમ બન્યા છે. અંકલેશ્વર જીઆઇડીસીના રસ્તાઓ પર ઠેર-ઠેર નાના-મોટા ખાડાઓ જોવા મળે છે. અમુક ખાડા તો એટલા ઊંડા છે કે, તેમાં આખું ટાયર સમાઈ જાય! ચોમાસા દરમિયાન આ ખાડાઓ પાણીથી ભરાઈ જતાં તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની જાય છે. જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિ જોતા સવાલ થાય છે કે, શું આ રસ્તાઓ બનાવતી વખતે ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું? કે પછી માત્ર સરકારી તિજોરી ખાલી કરવા માટે જ આ કામ કરવામાં આવ્યું હતું?આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો તેમાંય ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોની હાલત કફોડી બની છે. ખાડાઓથી બચવા માટે સતત વાહનોને આડા-અવળા કરવા પડે છે. જેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. અનેક વાહનોના સ્પેરપાર્ટ્સ પણ આ ખાડાઓના કારણે તૂટી રહ્યા છે. જેનાથી તેમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. આ પરિસ્થિતિ માટે સીધી રીતે તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની મનમાની જવાબદાર છે. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ જો બે વર્ષમાં જ તૂટી જાય તો તે સ્પષ્ટ દર્શાવે છે કે, રસ્તા બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હશે. આ કામોનું બિલ પાસ કરતા પહેલાં અધિકારીઓએ કયા આધારે ગુણવત્તાની ખાતરી આપી હશે, તે એક મોટો સવાલ છે. સ્થાનિક ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે, આ મામલે તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો આ પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ઉદ્યોગોને પણ અસર થઈ શકે છે. અને કર્મચારીઓની સલામતી પણ જોખમમાં મુકાશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *