રવિવારની રાત વાગરાના પખાજણ ગામ નજીક એક કરૂણ હિટ એન્ડ રનની ઘટનાની સાક્ષી બની. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઇનોવા કારે એક નિર્દોષ શ્રમિકને ટક્કર મારી હતી. જેના પરિણામે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પરંતુ વાગરા પોલીસની ત્વરિત અને સઘન કાર્યવાહીથી તેને મોડી રાત્રે ઝડપી પાડવામાં આવ્યો હતો.
સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ગત રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં બની હતી. મૃતક વ્યક્તિની ઓળખ 45 વર્ષીય અમૃત ચંદ્રજીત મહતો તરીકે થઈ છે. જે મૂળ ઝારખંડના રહેવાસી હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્કોન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા હતા અને કંપનીની લેબર કોલોનીમાં રહેતા હતા.
ઘટના સમયે અમૃત મહતો કોલોની સામેના પખાજણ રોડ પર ચાલી રહ્યા હતા. તે સમયે એક ઇનોવા કાર બેફામ ગતિએ આવી અને તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે અમૃત મહતોને ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક પોતાની ગાડી લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
ઘટનાની જાણ થતા જ વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. સાથે જ પોલીસે અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન અને તેના ચાલકને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને વાહન અને ચાલકની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસની સતર્કતા અને સઘન તપાસના પરિણામે મોડી રાત્રે ખોજબલ નજીકથી ફરાર થયેલા ઇનોવા કારના ચાલકને કાર સહિત ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપીની અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com