Geo Gujarat News

ભરૂચ: નિષ્ઠુર જનેતાએ બાળકને નર્મદાના કીચડમાં ત્યજી દીધો, સમગ્ર વિસ્તારમાં ફિટકાર, માનવતા શર્મસાર!

અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચેથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ માનવતાને શરમજનક બનાવી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કરુણ ઘટના બપોરના સમયે બની હતી. સ્થાનિક લોકોએ નર્મદા મૈયા બ્રિજ નીચેના કાદવ અને કીચડમાં એક નવજાત બાળકનો મૃતદેહ તરતો જોયો હતો. આ હૃદયદ્રાવક દ્રશ્ય જોતા જ તેમણે તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે મુશ્કેલીથી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને જોતા જ કાર્યકરોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને આ દ્રશ્ય જોઈને સૌ કોઈએ નિષ્ઠુર કૃત્ય કરનાર વ્યક્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને એ દિશામાં તપાસ કરી રહી છે કે નવજાતને બ્રિજ પરથી ફેંકવામાં આવ્યો હતો કે પછી નદીના કિનારે ત્યજી દેવામાં આવ્યો હતો. આ નિષ્ઠુર કૃત્ય કરનાર જનેતા અથવા અન્ય કોઈ વ્યક્તિને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકોએ આવા ક્રૂર કૃત્યની સખત નિંદા કરી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *