આમોદમાં ભ્રષ્ટાચારનું નવું સરનામું, કરોડોના ખર્ચે બની રહેલી સરકારી શાળામાં નબળું બાંધકામ, તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ. : આમોદ નગરમાં અઢી કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી સરકારી શાળાના બાંધકામમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપોથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટની એજન્સી દ્વારા આમલીપુરા કાઠિયાવાડ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી મિશ્ર શાળા નંબર-૩ નું કામ અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. જે સરકારી તંત્રની બેદરકારી અને મિલીભગતનો સ્પષ્ટ સંકેત આપે છે.
સરકારી શાળાના નિર્માણમાં ગુણવત્તાનો ભોગ, ભ્રષ્ટાચારની ગંધ. : સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શાળાના બાંધકામમાં સિમેન્ટ, રેતી, કપચી અને લોખંડ જેવી પાયાની સામગ્રીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પાયા અને બીમ-કોલમ જેવા મુખ્ય માળખાકીય ભાગોમાં પણ ગુણવત્તાના માપદંડને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. લાઈન-લેવલ વગર અને માટી પાથરીને કરવામાં આવતું કામ એજન્સીની લાલચ અને તંત્રની મૌન સંમતિનો પુરાવો આપે છે.
રાજકોટની એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર?, સુપરવાઈઝરના ગોળગોળ જવાબથી અનેક સવાલો. : આ અંગે ફરજ પર હાજર સુપરવાઈઝરને પૂછપરછ કરતાં તેમણે વ્યવસ્થિત જવાબ આપવાને બદલે ગોળ-ગોળ વાતો કરી ઉડાવ જવાબ આપ્યો હતો. આ વર્તણૂક શાળાના પાયાને નહીં પણ ભ્રષ્ટાચારના આક્ષેપોને વધુ મજબૂત બનાવે છે. આ ગંભીર મુદ્દો માત્ર બાંધકામની ગુણવત્તાનો નથી. પરંતુ માસૂમ બાળકોના જીવ અને તેમના ભવિષ્ય સાથે થતા ચેડાંનો છે. કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલ આ શાળા જો ગણતરીના વર્ષોમાં જ ધરાશાયી થશે તો તેની જવાબદારી કોની રહેશે?
આમોદમાં ભ્રષ્ટાચારને કારણે સરકારી શાળાના બાંધકામ પર સવાલો, તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા માગ. : સ્થાનિકોની ઉગ્ર માંગ છે કે, રાજ્ય સરકાર તાત્કાલિક આ મામલે સખત પગલાં ભરે. અને નબળું કામ કરનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી, દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને નવેસરથી યોગ્ય ગુણવત્તા સાથે શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવે. આ મામલો રાજ્યમાં ચાલી રહેલા વિકાસના દાવાઓ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com