આમોદ નેશનલ હાઇવે નંબર 64 હવે માત્ર બિસ્માર નહીં પરંતુ વાહનચાલકો માટે એક જીવલેણ માર્ગ બની ગયો છે. સવારે એક કાર ખાડામાં ફસાઈ હોવાની ઘટના બાદ સાંજે એક મહાકાય ટ્રક ફસાઈ જતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે અને હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની લાપરવાહી અને નઘરોઈને ઉઘાડી પાડી છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ હાઇવે પરના ખાડાઓએ વાહનચાલકોની કમર તોડી નાખી છે. નાના વાહનોથી લઈને મોટા ટ્રકો સુધીના વાહનો અહીં ફસાય છે. અને અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની વારંવારની રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
સ્થાનિકોએ જણાવ્યું હતું, કે આ હાઇવે હવે મરમ્મત નહીં પરંતુ સંપૂર્ણ નવીનીકરણ માંગે છે. જો તંત્ર તાત્કાલિક કોઈ પગલાં નહીં ભરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ સમસ્યાનો અંત ક્યારે આવશે તે એક મોટો પ્રશ્ન છે. આ ઘટના બાદ પોલીસ અને સ્થાનિક તંત્રએ ટ્રાફિકને હળવો કરવા માટે પ્રયાસો કર્યા હતા. પરંતુ રસ્તાની દયનીય સ્થિતિને કારણે કામગીરી મુશ્કેલ બની હતી. આ ઘટનાએ લોકોમાં વ્યાપક રોષ અને આક્રોશ ફેલાવ્યો છે, અને તાત્કાલિક સમાધાનની માંગ વધુ મજબૂત બની છે.

યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com