Geo Gujarat News

ભરૂચ: પેરોલ ફર્લો સ્ક્વોડે 11 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 11 વર્ષથી નાસતા-ફરતા ઘરફોડ ચોરીના આરોપીને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી ભરૂચ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વર્ષોથી વોન્ટેડ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના કર્મચારીઓ જિલ્લાના વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા માટે સક્રિય હતા. આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચના એક જૂના ચોરીના ગુનાનો આરોપી બાલુ મગનભાઈ માવી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખૂબ ચોક્કસ અને પુષ્ટિ થયેલી હતી. બાતમીના આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી અને અમદાવાદના ધુમા વિદ્યાસાગર સ્કૂલની અંદર આવેલી લેબર કોલોનીમાં છુપાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી બાલુ માવી મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામનો વતની છે. આરોપી બાલુ માવી છેલ્લા 11 વર્ષથી પોલીસથી ભાગી રહ્યો હતો. અને સતત પોતાનું રહેઠાણ બદલી રહ્યો હતો. આખરે પોલીસની સતત મહેનત અને ટેકનિકલ કુશળતાને કારણે તેને ઝડપી પાડવામાં સફળતા મળી. આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળતાથી ભરૂચ પોલીસની કાર્યક્ષમતા અને ગુનેગારોને પકડવાની પ્રતિબદ્ધતા વધુ એકવાર સાબિત થઈ છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.