ભરૂચ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે એક અનોખો અને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રથમ વખત એકસાથે ૧૩૬ શાળાના આચાર્યોએ દહેજ સ્થિત અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ પ્રા.લિ.ની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ અદાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ ‘પ્રોજેક્ટ ઉડાન’ અંતર્ગત યોજાયો હતો અને તેનું નેતૃત્વ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સ્વાતીબા રાઓલએ કર્યું હતું. અદાણી જૂથના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની પ્રેરણાથી શરૂ કરાયેલ પ્રોજેક્ટ ઉડાનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઉદ્યોગ જગતનો સીધો પરિચય કરાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ ધોરણ ૯ થી ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને અદાણીની વિવિધ સાઇટ્સની મુલાકાત કરાવવામાં આવે છે. આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારિક જ્ઞાન મળે છે, જે તેમના શિક્ષણ અને કારકિર્દીના ઘડતરમાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે. આ કાર્યક્રમ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ માટે સંપૂર્ણપણે મફત છે, જ્યારે ખાનગી શાળાઓ પાસેથી માત્ર ન્યૂનતમ ફી વસૂલવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનની ટ્રસ્ટી શિલિન અદાણીએ જણાવ્યું કે “પ્રોજેક્ટ ઉડાન યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરે છે અને તેમને ભવિષ્યમાં ઉદ્યોગપતિ, નવીનતા લાવનાર અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે.
આચાર્યોની આ મુલાકાત વિશે વાત કરતા DEO સ્વાતીબા રાઓલએ કહ્યું કે “વિદ્યાર્થીઓ માટે વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદ્ભુત તક છે, જે તેમની દૃષ્ટિ વિસ્તૃત કરશે. આચાર્યો અહીંથી નવી દૃષ્ટિ લઈને પરત જઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. આચાર્યોએ પણ આ પ્રવાસને અત્યંત પ્રેરણાદાયક ગણાવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન સીઓઓ પંકજ ઉકે, પ્રોજેક્ટ ઉડાનના હેડ જિગ્નેશ વિભાંડિક અને તેમની ટીમે કર્યું હતું. અદાણી ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ, માર્ચ ૨૦૨૬ સુધીમાં ૭,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આ અનુભવ આપવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનનું માનવું છે કે જ્યારે યુવાનોને યોગ્ય એક્સપોઝર મળે છે, ત્યારે તેઓ પોતાની ક્ષમતાને ઓળખીને જીવનમાં મોટા સપના સાકાર કરવા માટે પ્રેરિત થાય છે. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com