Geo Gujarat News

ભરૂચ: થવા આશ્રમશાળાની દીકરીઓનો ડંકો, Pencak Silat Leagueમાં ૩૫ મેડલ જીતી ભરૂચનું નામ રોશન કર્યું

ભરૂચ જિલ્લાના થવા ખાતે આવેલી પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળાની દીકરીઓએ ASMITA Pencak Silat League 2025-26 માં ૩૫ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. શાળાએ પ્રથમ વખત આ આંતરરાષ્ટ્રીય રમત માટે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા હતા અને તેમના અસાધારણ પ્રદર્શને સૌને ચોંકાવી દીધા છે. હવે આ છાત્રાઓ કર્ણાટક ખાતે યોજાનાર ખેલો ઈન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપ-૨૦૨૫ માં ભાગ લેવા જશે. ગઈ તા. ૬ અને ૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ થવા સ્થિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા ખાતે આ લીગનું આયોજન થયું હતું. ધોરણ ૫ થી ૧૦માં અભ્યાસ કરતી ૧૦૦થી વધુ દીકરીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં વજન અને કેટેગરી પ્રમાણે કુલ ૧૮ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં થવા આશ્રમશાળાની દીકરીઓએ ૫ ગોલ્ડ, ૧૧ સિલ્વર અને ૧૯ બ્રોન્ઝ મેડલ સહિત કુલ ૩૫ મેડલ મેળવીને ભરૂચ જિલ્લા અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.શાળાની આ સફળતા પાછળ આચાર્ય રંજનબેન વસાવાનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વર્ષથી વધુ સમય માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ અને કોચને શાળામાં બોલાવીને વિશેષ તાલીમ અપાવી હતી. આચાર્ય, શિક્ષકો અને કોચનું લક્ષ્ય છે કે આ દીકરીઓ ભવિષ્યમાં ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે. Pencak Silat એક પરંપરાગત દક્ષિણપૂર્વ એશિયન માર્શલ આર્ટ છે, જે ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં પ્રચલિત છે. આ રમત શરીરની લવચીકતા, ઝડપ અને શક્તિ પર આધાર રાખે છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માન્યતા મળી છે અને એશિયન ગેમ્સ જેવી મોટી સ્પર્ધાઓમાં તેનો સમાવેશ થાય છે. ભારતમાં ખેલો ઈન્ડિયા અંતર્ગત આ રમત ધીમે ધીમે લોકપ્રિય થઈ રહી છે.આ શાળા PMSHRI યોજના અંતર્ગત દેશની શ્રેષ્ઠ શાળાઓમાં સ્થાન ધરાવે છે. સમગ્ર શિક્ષા ગાંધીનગરના સહયોગથી બાળકોને જરૂરી સ્પોર્ટ્સ કિટ્સ પૂરી પાડવામાં આવી છે. આ બાળકોને વિનામૂલ્યે અનેક લાભો મળી રહ્યા છે અને વર્ષભર ૬૦થી વધુ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. આ સિદ્ધિએ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સપોર્ટ મળે તો ગ્રામીણ વિસ્તારના બાળકો પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *