Geo Gujarat News

આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી?, પ્રજાના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં, ​કાગળ પર કરોડોના કામ, પણ હકીકતમાં મોતનો ખાડો!

ભરૂચ-આમોદ નેશનલ હાઈવે-64 પર આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારીએ પ્રજાને મરણપથારીએ મૂકી દીધી છે. છેલ્લા 20 દિવસથી સર્વિસ રોડ પર એક 15 થી 20 ફૂટ ઊંડો ખાડો ખુલ્લો પડ્યો છે. જે નગરપાલિકાના શાસકોની નિષ્ક્રિયતાનો જીવંત પુરાવો છે. આ ખાડો એટલો ખતરનાક છે કે સ્થાનિક લોકો કટાક્ષમાં કહી રહ્યા છે કે, “આને પૂરવા માટે શું અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે?” નગરપાલિકા ફાઇલોમાં કરોડોના ખર્ચા બતાવી રહી છે. પરંતુ હકીકતમાં નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. પશુઓ પણ માંડ-માંડ ખાડામાંથી પસાર થાય છે. જ્યારે બાઈક સવારો અને રાહદારીઓ ધૂળની ડમરીઓથી બચવા માટે મોઢા પર કપડાં બાંધીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ ખાડો રાત્રે કે દિવસે કોઈ વાહનને ગળી જાય તો તેની જવાબદારી કોની? શું તંત્રના મોટા અધિકારીઓ કે પછી નગરપાલિકાના “ચામડી જાડા” સંચાલકો?સ્થાનિક લોકોનો આક્રોશ સ્પષ્ટ છે કે જ્યારે વરસાદ પડે ત્યારે કામના બહાના મળે છે અને વરસાદ બંધ થાય પછી તંત્ર “કુંભકર્ણની ઊંઘ” માણી રહ્યું છે. આમોદ નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની આ બેદરકારીને કારણે હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાય છે. ફાઈલોમાં “કામ પૂરું” બતાવીને ખિસ્સા ભરનારા સંચાલકોને પ્રજાના જીવની કોઈ પરવા નથી. તેમના માટે આ ખાડાઓ કમાણીનું સાધન બની ગયા છે, જ્યારે પ્રજા માટે તે “મોતના ખાડા” છે. હાલમાં વરસાદ બંધ છે. તેમ છતાં કોઈ મરામત કામ શરૂ થયું નથી. જો તાત્કાલિક ધોરણે આ ખાડો નહિ પુરાય તો કોઈ મોટી દુર્ઘટના નિશ્ચિત છે. જેની સીધી જવાબદારી આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ-મકાન વિભાગની રહેશે. પ્રજાનો ગુસ્સો હવે સત્તાધીશોને ભારે પડશે. તેમ જણાય રહ્યું છે. આમોદ નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગનું તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. છેલ્લા 20 દિવસથી ખુલ્લા પડેલા 15 થી 20 ફૂટ ઊંડા ખાડાની મરામત કરવાને બદલે, સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. આ બેદરકારીએ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પેદા કર્યો છે. પ્રજાના મનમાં એક જ સવાલ ઉદ્ભવે છે કે શું નગરપાલિકાના સંચાલકોની ‘કુંભકર્ણની ઊંઘ’ ત્યારે જ ઉડશે જ્યારે આ ખાડો કોઈનો જીવ લેશે? જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના નહીં થાય, ત્યાં સુધી શું તંત્રની ગાડી ગતિમાં નહીં આવે? આ સ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે સત્તાધીશોને પ્રજાના જીવની કોઈ પરવા નથી, અને તેમનો મુખ્ય ઉદ્દેશ માત્ર ભ્રષ્ટાચાર કરીને ખિસ્સા ભરવાનો છે. રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલિભગતને કારણે આમોદમાં રસ્તાના ખાડાઓ એક ગંભીર સમસ્યા બની ગયા છે, જે પ્રજાના જીવ પર જોખમ ઊભું કરી રહ્યા છે. લોકોના આક્ષેપો મુજબ, નગરપાલિકાના શાસકો માત્ર કાગળ પર કામો દર્શાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. આ ભંડોળ, જેનો ઉપયોગ રસ્તાઓના સમારકામ માટે થવો જોઈએ, તેનો દુરુપયોગ નેતાઓના ખિસ્સા ભરવા માટે થાય છે. પરિણામે, સ્થાનિક લોકો ખાડાવાળા રસ્તાઓ પર મુસાફરી કરવા મજબૂર છે. આમોદના નેતાઓ માટે, રસ્તાના ખાડાઓ માત્ર ભ્રષ્ટાચારનું સાધન છે, જ્યારે પ્રજા માટે તે જીવલેણ છે. આ ગંભીર બેદરકારીને કારણે પ્રજાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે, અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. સ્થાનિક નેતાઓની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે આમોદના રસ્તાઓ પર ઠેર ઠેર ‘મોતના ખાડા’ જોવા મળે છે, જે પ્રજાના જીવન માટે મોટું જોખમ બની ગયા છે. આ ખાડાઓ અકસ્માતોનું કારણ બને છે, છતાં નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા છે. પ્રજાનો સ્પષ્ટ આક્ષેપ છે કે, નેતાઓ ફક્ત ચૂંટણી સમયે જ મત માંગવા આવે છે, પરંતુ જ્યારે લોકોના જીવ જોખમમાં હોય છે ત્યારે તેઓ અવાજ ઉઠાવતા નથી. આ પરિસ્થિતિ એ સ્પષ્ટ કરે છે કે નેતાઓને જનતાના હિત કરતાં પોતાના અંગત સ્વાર્થમાં વધુ રસ છે. જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના નહીં થાય, ત્યાં સુધી નેતાઓનું મૌન તૂટશે નહીં.અંતે, આ ગંભીર સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન લાવવું અત્યંત આવશ્યક છે. આમોદ નગરપાલિકા અને ભરૂચ માર્ગ-મકાન વિભાગે તાત્કાલિક ધોરણે એક સંયુક્ત બેઠક યોજી, આ જીવલેણ ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવું જોઈએ. એટલું જ નહીં, ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા જાળવવા અને સમયાંતરે રસ્તાઓની દેખરેખ રાખવા માટે એક કડક નીતિ બનાવવી જરૂરી છે. જો આ તંત્ર હજુ પણ નિષ્ક્રિય રહેશે તો સ્થાનિક નાગરિકોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. પ્રજાના જીવ સાથે ચેડાં કરનારા ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ તંત્ર પ્રજાના જીવને જોખમમાં મૂકતા પહેલાં સો વાર વિચાર કરે. આશા છે કે આ ગંભીર મુદ્દો સત્તાધીશોની આંખ ખોલશે અને તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.

યાસીન દિવાન, આમોદ

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *