Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં પ્રદૂષણ ફેલાવનાર કંપની સામે તવાઈ, ઇકોફાઇન કલરકેમનું ડ્રેનેજ કનેક્શન કપાયું, કડક કાર્યવાહીની માંગ..

વાગરાની સાયખા GIDCમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપનીઓ સામે આખરે તંત્રએ લાલ આંખ કરી છે. અતિશય પ્રદૂષિત પાણી છોડવા બદલ DP-42 અને DP-43 મિલકત ધરાવતી ઇકોફાઇન કલરકેમ કંપનીનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખવાનો કડક આદેશ GIDC ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક પ્રદૂષણની ગંભીર સમસ્યાને સપાટી પર લાવી દીધી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઇકોફાઇન કલરકેમ કંપની GPCB દ્વારા નિર્ધારિત માપદંડો કરતાં અનેકગણું વધુ પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ સીધું ડ્રેનેજમાં છોડી રહી હતી. GIDCની તપાસમાં આ હકીકત સામે આવ્યા બાદ કંપનીને સ્પષ્ટીકરણ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ કંપનીના કહેવાથી સંયુક્ત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં ફરીથી પાણીના નમૂનામાં પ્રદૂષણનું પ્રમાણ માન્ય મર્યાદા કરતાં ઘણું ઊંચું જણાઈ આવ્યું હતું. આ કોઈ પહેલી ઘટના નથી. નોટિસ મુજબ આ કંપની દ્વારા ત્રીજી વખત આ પ્રકારનું બેદરકારીભર્યું કૃત્ય આચરવામાં આવ્યું છે. ઉદ્યોગો દ્વારા વારંવાર થતી આવી ગંભીર બેદરકારીને કારણે આસપાસના ખેતરોમાં કેમિકલયુક્ત પાણી ભરાઈ રહ્યું છે. જેના કારણે જમીન બિનઉપજાઉ બની રહી છે. પાકને નુકસાન થવાની સાથે જ સ્થાનિક લોકોના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે, માત્ર ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી સામાન્ય કાર્યવાહી પૂરતી નથી. જે કંપનીઓ વારંવાર પર્યાવરણ સાથે ચેડા કરે છે. તેમની સામે ક્લોઝર સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારે આ ગંભીર મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને કાયમી ઉકેલ લાવવા માટે મજબૂત પગલાં ભરવા જોઈએ. જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો ભવિષ્યમાં આ કેમિકલયુક્ત પાણી આ વિસ્તારના લોકો માટે ઝેર સાબિત થઈ શકે છે. આ એકલદોકલ ઘટના નથી. સાયખા GIDCમાં આવી અનેક કંપનીઓ છે. જેઓ ટ્રીટમેન્ટ વગર જ કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ છોડી રહી છે. આ પ્રદૂષિત પાણી આસપાસના ખેતરોમાં ફેલાતા જમીન બિનઉપજાઉ બની રહી છે. અને પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. સૌથી મોટો ખતરો તો સ્થાનિક ગામોમાં રહેતા લોકોના આરોગ્ય સામે ઊભો થયો છે.આ પ્રદૂષણ માત્ર જમીન અને પાકને જ નહિ, પરંતુ સ્થાનિક જીવસૃષ્ટિ માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ આ પ્રદૂષિત પાણીને કારણે અનેક પશુઓના મોત થયા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. એટલું જ નહીં નજીકના જળસ્ત્રોતમાં આ કેમિકલયુક્ત પાણી ભળતા સેંકડો માછલીઓના પણ મોત નિપજ્યા હતા. જેના કારણે પર્યાવરણને ભારે નુકસાન થયું છે. અને કેટલાક ખેડૂતો પાયમાલ બન્યા છે. સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે GIDC ઓથોરિટીએ માત્ર એક કંપની સામે કાર્યવાહી કરીને સંતોષ ન માનવો જોઈએ. આ સમગ્ર મામલે યોગ્ય અને સઘન તપાસ કરીને જે પણ અન્ય કંપનીઓ આ પ્રદૂષણ ફેલાવી રહી છે. તેમની સામે પણ કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આવા બેફામ ઉદ્યોગકારો ટ્રીટમેન્ટ વગરનું કેમિકલયુક્ત પાણી છોડી મૂકે છે. અને આ પાણી CETP લાઈનમાં જાય છે. આ લાઈનમાં અનેક જગ્યાએ ભંગાણ સર્જાયું છે. જેનાથી આ કેમિકલયુક્ત પાણી જાહેરમાં વહે છે. જે એક ગંભીર ખતરો છે. પંથકના જાગૃત નાગરિકોનું કહેવું છે કે બેદરકારી દાખવનાર કંપની સામે કાર્યવાહી કરવી એ ખૂબ જ સારી વાત છે. પરંતુ CETP લાઈનમાં ભંગાણને કારણે અનેક ખેડૂતોની જમીન બિનઉપજાઉ બની ગઈ છે. અને તેઓ પાયમાલ બન્યા છે. તો શું માત્ર કંપનીઓ જ જવાબદાર છે કે, પછી GIDC ઓથોરિટીની બેદરકારી પણ આ માટે જવાબદાર છે? સ્થાનિકોની માંગ છે કે આ ગંભીર બેદરકારી બદલ GIDC સામે પણ નક્કર કાર્યવાહી થવી જોઈએ. જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ખેડૂતોના હિતનું રક્ષણ થાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *