દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે આમોદ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોવાનું એક વાયરલ વીડિયોથી સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ ફોટોશૂટ માટે જાણી જોઈને કચરો નંખાવી રહ્યા હતા. જેનો પર્દાફાશ થતાં જ તેઓ સફાઈ કર્યા વગર જ રવાના થઈ ગયા હતા.

પાલિકા પ્રમુખ પર ગંભીર આરોપ : વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા આવે તે પહેલાં એક શખસ રોડ પર કચરો પાથરી રહ્યો હતો. એક જાગૃત નાગરિકે આ દૃશ્યને કેમેરામાં કેદ કરી લીધું, અને જેવો આ શખસને ખ્યાલ આવ્યો કે તેનો વીડિયો ઉતરાઈ રહ્યો છે, તે તરત જ કચરો નાખવાનું બંધ કરી ત્યાંથી નાસી ગયો. આ ઘટના બાદ આખી પાલિકાની ટીમ સફાઈ કર્યા વગર જ ત્યાંથી નીકળી ગઈ. આ સમગ્ર ઘટનાએ નગરપાલિકા પ્રમુખે માત્ર ફોટો સેશન માટે જ કચરો પથરાવ્યો હોવાની ચર્ચાને વેગ આપ્યો છે.

અધિકારીઓનો નબળો બચાવ : આ વિવાદ અંગે જ્યારે પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે નબળો ખુલાસો આપતા જણાવ્યું કે, આ કચરો અમારી જાણ બહાર નાખી દેવાયો હતો. પરંતુ અમને ખબર પડતા જ અમે ત્યાંથી નીકળી ગયા અને બહારના ભાગમાં સફાઈનો કાર્યક્રમ કર્યો હતો. જોકે આ સ્પષ્ટતા કોઈના ગળે ઉતરે તેવી નથી. કારણ કે વીડિયોમાં દેખાતી ગતિવિધિઓ પૂર્વઆયોજિત જણાઈ રહી છે.
સવાલ જવાબદારીનો, નહીં કે માત્ર દેખાડાનો : આ ઘટનાથી નગરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુથ કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું કે એક તરફ નગરમાં ગંદકી અને રોગચાળાથી લોકો પરેશાન છે. અને બીજી તરફ પાલિકાના અધિકારીઓ માત્ર ફોટોશૂટમાં વ્યસ્ત છે. આ મામલે જનતાએ પાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લઈ જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે. આ ઘટનાએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ માટે સ્વચ્છતા અભિયાન માત્ર એક દેખાડો બની ગયો છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com