Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, સત્તાવાળાઓની બેદરકારી અને શંકાસ્પદ ષડયંત્રની ગંધ!

 

નેરોલેક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી : વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી જાણીતી નેરોલેક કંપનીના રેક્ઝીન પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાહટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓ જેવી કે ગ્રાસીમ, જય કેમિકલ અને કલરટેક્ષ સહિતની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કુલ 8 જેટલા ફાયર ટેન્ડરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. કલાકોની મહેનત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ઘટનાની જાણ થતા જ વાગરા મામલતદાર અને પોલીસ વિભાગ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગ પાછળનું સાચું કારણ બહાર આવશે. આ ઘટનાએ GIDC વિસ્તારમાં ઔદ્યોગિક સલામતીના પગલાં અને ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.​વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી જાણીતી નેરોલેક પેઈન્ટ્સ કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે અનેક ગંભીર સવાલો ઉભા થયા છે. આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર ફાઈટર્સ અને પોલીસને પણ કંપનીના પ્રોટોકોલના નામે બહાર રોકી રાખવામાં આવ્યા હોવાનો આઘાતજનક ખુલાસો થયો છે. જેણે આ ઘટના પાછળ કોઈ મોટા ષડયંત્રની આશંકાઓને વધુ મજબૂત બનાવી છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગની ઘટના બાદ સ્થળ પર પહોંચતા તેમને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ હતી. તેમણે જણાવ્યું કે, કંપનીની બેદરકારી અને સત્તાવાળાઓની લાપરવાહી સ્પષ્ટ દેખાઈ રહી છે. સૌથી મોટો મુદ્દો એ છે કે, કંપનીના ગેટ પર ફાયર વિભાગ અને પોલીસને પણ અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. જેનાથી આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થયો અને નુકસાની વધી હોવાનું અનુમાન છે.​GIDCના રસ્તાઓની અવ્યવસ્થા : આગની ઘટનાએ વિલાયત GIDCના રસ્તાઓની દયનીય હાલત પણ ખુલ્લી પાડી છે. ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું કે, GIDCના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરો સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા. જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી. આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારી દર્શાવે છે.કંપનીના પ્રોટોકોલ અને શંકાસ્પદ ઇરાદાઓ : ઇમ્તિયાઝ પટેલે કંપનીના પ્રોટોકોલ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કોઈ મોટી દુર્ઘટના બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ન થાય તે વાત માનવામાં આવતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે આગ લાગવાના સમયે તમામ કર્મચારીઓ કેન્ટીનમાં હતા. અને સુરક્ષિત હોવાનું કંપની દ્વારા જણાવાયું છે. આ પરિસ્થિતિને જોતાં આ ઘટના કોઈ આગવું ષડયંત્ર હોઈ શકે છે. જે વીમો પકવવા અથવા અન્ય કોઈ નાણાકીય લાભ માટે રચવામાં આવ્યું હોવાની શંકા છે.કાયદાનું ઉલ્લંઘન અને શોષણ : ઇમ્તિયાઝ પટેલે આ કંપની પર અનેકવાર કાયદાને નેવે મૂકીને કામદારોનું શોષણ કરવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે ગ્રેચ્યુઈટી અને દિવાળી બોનસ જેવા લાભો ન આપવા તેમજ GIDCના મુખ્ય રસ્તાઓ પર કંપનીની ગાડીઓનું દબાણ થતું હોવા છતાં પાર્કિંગની વ્યવસ્થા ન કરવા જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ​આ સમગ્ર ઘટના ભરૂચના ઉદ્યોગિક વિસ્તારમાં વહીવટી, સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉદ્યોગિક સલામતી વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે. આ ઘટના પાછળનું સાચું કારણ શું છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી તેઓએ માંગ કરી છે.GIDCના રસ્તાઓ પર મોતના ખાડા, સત્તાધીશોની બેદરકારીનો ભોગ : વાહનચાલકો બની રહ્યા છે. ​વાગરાની GIDCના રસ્તાઓ ઉદ્યોગિક પ્રગતિના બદલે વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતીક બની ગયા છે. ઠેર-ઠેર પડેલા મોટા ખાડાઓ હવે માત્ર ખાડા નહીં પણ વાહનચાલકો માટે જીવલેણ જોખમ બની ગયા છે. વરસાદી પાણી ભરાવાને કારણે આ ખાડાઓની ઊંડાઈનો અંદાજ લગાવવો અશક્ય છે. જેના કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ઉદ્યોગોના માલિકો લાખોનો નફો કમાય છે. પરંતુ GIDCના માળખાકીય સુધારણા માટે એક પણ પગલું ભરવામાં આવતું નથી. સ્થાનિક નેતાઓ અને સત્તાધીશો ફક્ત વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે. જ્યારે GIDCના આ રસ્તાઓ પરથી પસાર થતા કામદારો અને વાહનચાલકો રોજ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારીનો સ્પષ્ટ પુરાવો છે.ઇમરજન્સી વાહનો પણ અટવાયા, કટોકટીમાં જીવ બચાવવા માટે પણ ભ્રષ્ટાચારી રસ્તાઓ અવરોધરૂપ! : જ્યારે પણ કોઈ કટોકટી સર્જાય છે. ત્યારે ઇમરજન્સી સેવાઓનું તાત્કાલિક સ્થળ પર પહોંચવું અત્યંત આવશ્યક હોય છે. પરંતુ GIDC ના આ ખખડધજ રસ્તાઓ પર એમ્બ્યુલન્સ કે ફાયર ટેન્ડર જેવા વાહનો પણ સમયસર પહોંચી શકતા નથી. ખાડાઓ અને ભરાયેલા પાણીના કારણે આ વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે. અને સંભવિતપણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. આ પરિસ્થિતિ માત્ર બેદરકારી નથી. પરંતુ સત્તાવાળાઓની લાપરવાહી અને ભ્રષ્ટાચારનું પ્રતિબિંબ છે, જે લોકોના જીવની કિંમતને પણ અવગણી રહ્યા છે. આ મુદ્દો ગંભીરતાથી લેવાવો જોઈએ અને આવા રસ્તાઓ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.