Geo Gujarat News

વાગરા: કંસાઈ નેરોલેક કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાય, કંપનીમાં ભીષણ આગ બાદ ગંભીર સવાલો

કંસાઇ નેરોલેકમાં આગ પછી કંપનીના પ્રોટોકોલ અને બેદરકારીની ઊંડાણપૂર્વક તપાસ ક્યારે? : વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીમાં આવેલી કંસાઇ નેરોલેક કંપનીમાં બુધવારે સવારના 9 વાગ્યાના સુમારે લાગેલી ભીષણ આગ માત્ર એક દુર્ઘટના નથી. પરંતુ કંપનીની અંધાધૂંધી, વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સુરક્ષા સાથેના ગંભીર ચેડાંની ચોંકાવનારી વાર્તા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરે તાત્કાલિક પગલું ભરી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. પરંતુ આ પગલું આગની ઘટનાથી ઊભા થયેલા ગંભીર સવાલોને દબાવી શકશે નહીં.270°C તાપમાનના ઓઇલનું લીકેજ, સુરક્ષાના ધજાગરા : ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામીતના મતે આગ લાગવાનું પ્રાથમિક કારણ સ્પષ્ટ છે. કંપનીના થર્મિક ફલુઇડ પ્લાન્ટમાં આવેલા હીટરમાંથી ગાસ્કેટ કે અન્ય જગ્યાએ લીકેજ થવાને કારણે 270 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ગરમ ઓઇલ બહાર આવ્યું. આ ઓઇલ પાઇપલાઇનની આસપાસના ઇન્સ્યુલેશન પર પડતાં આગ લાગી હોવાનું અનુમાન છે. સવાલ એ છે કે જ્યાં 270 ડિગ્રીના તાપમાનનું પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટ લીકેજ થવું એ ગંભીર બેદરકારી નથી તો શું છે? કંપની દ્વારા સુરક્ષાના નિયમોના કેવા ધજાગરા ઉડાડવામાં આવ્યા હશે. કે જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના બની? આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે, કર્મચારીઓની સુરક્ષા કરતાં કંપની માટે ઉત્પાદન અને નફો વધુ મહત્ત્વનો હતો.ષડયંત્રનો ખુલ્લો ખેલ, ફાયર બ્રિગેડને બહાર રોકવાનો ગુનો : આ ઘટનામાં સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાઝ પટેલના સનસનાટીપૂર્ણ આક્ષેપ મુજબ આગ પર કાબૂ મેળવવા આવેલા ફાયર ફાઇટર્સ અને પોલીસને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવ્યા હતા! આ પગલું માત્ર વિલંબકારક જ નહીં. પરંતુ ગુનાહિત બેદરકારી સમાન છે. શા માટે આગ બુઝાવવા આવનાર ટીમને રોકવામાં આવી? શું કંપનીને કોઈ પુરાવા નષ્ટ કરવા હતા? શું આ આગ વીમો પકવવા અથવા અન્ય કોઈ નાણાકીય ગેરલાભ માટેનું સુનિયોજિત ષડયંત્ર હતું?જેમ કે ઇમ્તિયાઝ પટેલે આશંકા વ્યક્ત કરી છે? કંપનીનો આ અમાનવીય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર તપાસ માંગી લે છે. ૩૦૦ કર્મચારીઓનો આબાદ બચાવ થયો હોવા છતાં આ સમગ્ર ઘટનાએ અનેક શંકાઓની જ્વાળા પ્રગટાવી છે.વહીવટી તંત્રની નિર્લજ્જતા, જીઆઇડીસીના ખંઢેર રસ્તા : કંપનીની બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની નિર્લજ્જ નિષ્ક્રિયતા પણ છતી કરી છે. વાગરા અને સાયખા જીઆઇડીસીના રસ્તાઓની હાલત એટલી બિસમાર અને ખંઢેર છે કે, ફાયર ટેન્ડરો સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા! ઇમ્તિયાઝ પટેલના જણાવ્યા મુજબ રસ્તા પરના મોટા ખાડાઓને કારણે લાયબંબાઓ મોડા પડ્યા હતા. જેના કારણે આગ વધુ ફેલાઈ હતી. મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં રસ્તાઓ બન્યા નથી. આ પરિસ્થિતિ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક સલામતી વિભાગ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઘોર લાપરવાહી દર્શાવે છે. જે તંત્ર ઉદ્યોગોને પાયાની સુવિધાઓ પણ પૂરી પાડી શકતું નથી. તે કયા મોઢે ઉદ્યોગિક વિકાસની વાત કરે છે?માત્ર ક્લોઝર નોટિસ નહીં, કડક કાર્યવાહી જરૂરી : કંપનીને ક્લોઝર નોટિસ આપીને વહીવટી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી. આ ઘટના એવા અનેક ઉદ્યોગો માટે લાલબત્તી સમાન છે. જેઓ કાયદાને નેવે મૂકીને કામદારોનું શોષણ કરે છે. ગ્રેચ્યુઇટી અને બોનસ જેવા લાભો આપતા નથી અને સુરક્ષાના નિયમોનો ભંગ કરે છે. સમગ્ર પ્રકરણની ઝીણવટભરી અને નિષ્પક્ષ તપાસ થવી અનિવાર્ય છે. કંપનીના વહીવટી અધિકારીઓ, ફાયર બ્રિગેડને રોકવાનો આદેશ આપનાર વ્યક્તિ અને જીઆઇડીસીના રસ્તાઓ માટે જવાબદાર તમામ અધિકારીઓ સામે કાયદાનો દંડો ઉગામી કડક કાર્યવાહી થવી જોઈએ. ગુજરાતના ઔદ્યોગિક સુરક્ષા ઇતિહાસમાં આ એક એવો કાળો અધ્યાય છે. જેણે શાસન-પ્રશાસન અને ઉદ્યોગોની મિલીભગતની પોલ ખોલી નાખી છે.મુખ્ય માર્ગ પર બિન-અધિકૃત પાર્કિંગથી ટ્રાફિક જામ, GIDC અને વહીવટી તંત્રની ચૂપકીદી સામે કડક કાર્યવાહીની માંગ. : ક્લોઝર નોટિસ અને ભીષણ આગની ઘટનાએ કંસાઈ નેરોલેક કંપની અને GIDC વહીવટી તંત્રની બેફામ મનમાની ખુલ્લી પાડી છે. આ કંપનીમાં આવતા માલવાહક વાહનો બેફામ રીતે મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે. જેનાથી ટ્રાફિકનું ભારે અવરોધ સર્જાય છે. શું આ કંપનીને ટ્રાફિકના નિયમો લાગુ પડતા નથી? શું કંપનીને મુખ્ય માર્ગ પર અવ્યવસ્થાનું સામ્રાજ્ય ફેલાવવાની છૂટ છે? આ ગંભીર બેદરકારી દર્શાવે છે કે ન તો કંપનીને નાગરિકોની સગવડની પરવાહ છે. કે ન તો GIDC એસોસિએશન કે સ્થાનિક વહીવટી તંત્રને નિયમોનું પાલન કરાવવાનો રસ છે. તાત્કાલિક અસરથી GIDC એસોસિએશન અને વહીવટી તંત્રએ આ બાબતે કઠોર અને નક્કર નિર્ણય લેવો જોઈએ અને કંપનીઓને પોતાના પરિસરમાં જ વાહનો પાર્ક કરવા માટે સખત ફરજ પાડવી જોઈએ. જો આ કંપનીઓ પોતાને મળતી જમીનનો યોગ્ય ઉપયોગ કરીને પાર્કિંગની વ્યવસ્થા ન કરી શકે તો તેમની સામે દંડ અને કડક કાયદાકીય પગલાં લેવાવા જોઈએ. જેથી મુખ્ય માર્ગો પર થતી આ અરાજકતા કાયમ માટે બંધ થાય!GIDCના રસ્તાઓની દુર્દશા માટે જવાબદાર ધારાસભ્યની નિષ્ક્રિયતા પર પણ સવાલ, સરકારે તુરંત જવાબદેહી નક્કી કરવી અનિવાર્ય. : ખરાબ રોડ રસ્તા બાબતે સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર તોફાની પ્રશ્નો ઉભા થાય જ છે. પરંતુ તેનાથી પણ વધુ શરમજનક છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ. જેમાં ખાસ કરીને સ્થાનિક ધારાસભ્યની ઘોર બેદરકારી અને લાપરવાહી છતી થાય છે. આ માર્ગો માત્ર GIDC ને જોડતા ઔદ્યોગિક રસ્તાઓ નથી. પરંતુ વિલાયત, ભેરસમ, સાયખા, કોઠીયા, સદથલા, અરગામા, વોરાસમની જેવા અનેક ગામોની હજારો પ્રજાના દૈનિક જીવનની ધમની છે. વર્ષોથી આ રસ્તાઓ મૃત્યુના કૂવા સમાન ખાડાઓથી ખદબદે છે. અને ગ્રામજનોનો સતત ત્રાસ છે. શું ધારાસભ્ય માત્ર મત માંગવા પૂરતા જ છે? શું તેમણે ક્યારેય આ ખંઢેર હાલતના માર્ગો પર પ્રવાસ કર્યો છે ખરો? આ ઘટનાએ સાબિત કર્યું છે કે, માર્ગોની આ દયનીય સ્થિતિ માત્ર અસુવિધા નથી. પરંતુ કટોકટીના સમયે જીવલેણ અવરોધ બની જાય છે! ધારાસભ્યે તુરંત જ વિલંબ કર્યા વિના જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ સમજીને આ માર્ગોના તત્કાલ નિર્માણ માટે સરકારમાં રજૂઆત કરવી જ જોઈએ. જો તેઓ આ પાયાની સુવિધા પણ સુનિશ્ચિત ન કરી શકે તો તેમનો હોદ્દો અને સત્તા શું કામની જનતામાં ઉગ્ર માંગ ઉઠી છે કે, આ મામલે સરકાર તાત્કાલિક ધારાસભ્યની જવાબદેહી પણ નક્કી કરે!

વાગરા: સાયખા GIDCમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, સત્તાવાળાઓની બેદરકારી અને શંકાસ્પદ ષડયંત્રની ગંધ!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.