નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચારમાં મસ્ત, શહેરના મધ્યમાં દારૂની બોટલો, કચરાના ઢગલા, પ્રજાને સુવિધા નહીં, પણ ગંદકીની ભેટ! : આમોદ નગરપાલિકાએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનનું ખુલ્લેઆમ જાણે અપમાન કર્યું છે. શહેરના હૃદય સમાન વિસ્તારમાં જ્યાં નાના બાળકો અભ્યાસ માટે આવે છે. અને સરકારી વહીવટી તંત્ર ધબકે છે. ત્યાં જ ગંદકી, કચરાના ઢગલા અને દારૂ-બિયરની ખાલી બોટલોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે, નગરપાલિકાની પ્રાથમિકતા નાગરિકોની સુવિધા નહીં પણ કોન્ટ્રાક્ટરના બિલો કાઢવા અને ભ્રષ્ટાચાર આચરવામાં છે.
આંગણવાડીના બાળકોના આરોગ્ય પર જોખમ. : આમોદમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે, આંગણવાડીના મુખ્ય દરવાજા પાસે, મામલતદાર કચેરીની દિવાલ અને પોલીસ કોટર્સની બાજુમાં જ ખુલ્લેઆમ ગંદકી ફેલાયેલી છે. આંગણવાડી શિક્ષિકા ભાવિકાબેન સોલંકીના જણાવ્યા મુજબ નાના બાળકો અહીં આવે છે. તેઓના આરોગ્ય પર આ ગંદકીના કારણે ખતરાની ઘંટડી વાગી રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓના કાન પર જૂ સરકતી નથી. દારૂની બોટલોનું ખુલ્લું સામ્રાજ્ય કાયદો અને વ્યવસ્થા તથા નગરપાલિકાની નિષ્ફળતાની ચરમસીમા દર્શાવે છે.
ફોટો સેશનના શાસકો વાસ્તવિકતામાં નિષ્ફળ : નગરજનોના આક્ષેપો મુજબ આમોદ નગરપાલિકા માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને કાગળ પરની કાર્યવાહીમાં જ કાર્યરત છે. સત્તાધીશો અને અધિકારીઓ નગરપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નખાવીને ફોટો સેશન ગોઠવી પોતાની પી.આર. કરે છે. પરંતુ શહેરના મુખ્ય વિસ્તારો, શાળાઓના ગેટ અને જાહેર માર્ગો પર પડેલા સડતા કચરાના ઢગલા તરફ આંખ આડા કાન કરી રહી છે. નગરપાલિકાનું ડોર-ટુ-ડોર કલેક્શન ટેમ્પો પણ અનિયમિત અને સમયસર ન આવતાં પ્રજા કચરો ક્યાં નાખવો તેની મૂંઝવણમાં છે. અને અંતે જાહેરમાં ગંદકી ફેલાવવા મજબૂર બને છે. પરિણામે ભાજપના શાસન હેઠળ જ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના સ્વપ્નોને મટિયામેટ થઈ રહ્યા છે.
પાલિકાને કોન્ટ્રાક્ટરના બિલમાં રસ, નાગરિક સુવિધામાં શૂન્ય : નગરજનોમાં એવી સખત ચર્ચા છે કે, નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખને ફક્ત તળાવના કૌભાંડ જેવા મોટા પ્રોજેક્ટના બિલો કાઢવામાં અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં જ રસ છે. જ્યારે નગરજનોને પાયાની સુવિધા પૂરી પાડવામાં તેમને કોઈ રસ નથી. જિલ્લા તથા રાજ્ય સ્તરેથી વારંવાર કડક ચેતવણીઓ મળવા છતાં નગરપાલિકાના અધિકારીઓની જાડી ચામડી પર તેની કોઈ અસર થતી નથી. આમોદની પ્રજા હવે આ બેદરકારીભર્યા અને ભ્રષ્ટ વહીવટ સામે ચેતવણી આપી રહી છે. જો તંત્ર તાત્કાલિક અસરથી સ્વચ્છતા સુવિધાઓ નિયમિત નહીં કરે અને જવાબદારી નિભાવશે નહીં. તો નગરજનો તેમના બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાના અધિકાર માટે જાહેર આંદોલનનો રસ્તો અપનાવવા મજબૂર થશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
રખડતા ઢોરોના ત્રાસમાં વધારો, પાલિકાની બેવડી નિષ્ફળતા : નગરપાલિકાની બેદરકારી માત્ર ગંદકી અને દારૂની બોટલો પૂરતી સીમિત નથી. પરંતુ રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવાના મુદ્દે પણ પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો, જાહેર જગ્યાઓ અને ગલી-મહોલ્લાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, રાહદારીઓ અને વાહનચાલકો માટે તે નવા જીવલેણ જોખમ સમાન બન્યો છે. આ ઢોરોને કારણે ટ્રાફિક જામ થવો, અકસ્માતો થવા અને ગંદકીમાં વધારો થવો એ રોજિંદી ઘટના બની ગઈ છે. એક તરફ સ્વચ્છતામાં બેદરકારી અને બીજી તરફ રખડતા ઢોરોનું અનિયંત્રિત સામ્રાજ્ય આ પાલિકાની બેવડી નિષ્ફળતા દર્શાવે છે. જાહેર માર્ગોને અસુરક્ષિત બનાવનાર આ ત્રાસ સામે કડક પગલાં લેવાને બદલે પાલિકાના અધિકારીઓનું મૌન તેમની અક્ષમતા અને બિન-રસપ્રદ વહીવટ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.

આમોદ પાલિકા કૌભાંડ અને સફાઈ નાટક મામલે મુખ્ય અધિકારીને નોટિસ પણ પથવાય હતી. : આમોદ નગરપાલિકામાં કથિત કૌભાંડો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ કચરો નાખીને સફાઈનું નાટક કરવાના વાયરલ થયેલા વીડિયોના અનુસંધાને સુરતના પ્રાદેશિક અધિક કલેકટર આર.સી. પટેલે મુખ્ય અધિકારીને નોટિસ ફટકારી હતી. નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ડોલમાંથી કચરો ઠાલવ્યા બાદ પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા સફાઈ કરીને ફોટો સેશન કરવામાં આવ્યું હતું, જે વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા અધિક કલેકટર આર.સી. પટેલે જણાવ્યું હતું કે મુખ્ય અધિકારીનો ખુલાસો આવ્યા બાદ રાજ્ય સરકારને આગળની કાર્યવાહી માટે દરખાસ્ત મોકલવામાં આવશે. તેમ છતાં હજુ સુધી પાલિકામાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી!

વિવિધ કૌભાંડોની તપાસ અને સફાઈ કામદારોના પ્રશ્નો : અધિક કલેકટર પટેલે આમોદ પાલિકામાં ચાલતા વિવિધ કૌભાંડો અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં શોપિંગ, તળાવ બ્યુટીફિકેશન, સોલર પેનલ સહિતના કામોમાં ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો મળી છે. આ ફરિયાદો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને જો ગેરરીતિ કે ભ્રષ્ટાચાર સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોઈપણ કર્મચારીને પણ નહીં છોડવામાં આવે. આ ઉપરાંત, તેમણે સફાઈ કામદારોના પ્રશ્નો અને માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળની અરજીઓના જવાબ ન આપવા બાબતે પણ મુખ્ય અધિકારી સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. પરંતુ તેમ છતાં આમોદ નગર પાલિકાના જાડી ચામડીના અધિકારીઓ જાણે મનસ્વી રીતેજ કામ કરતાં હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે.

ઠેર-ઠેર ગંદકીના ઢગલા, સફાઈની વાસ્તવિકતા પર સવાલ : પાલિકાના કમ્પાઉન્ડમાં સફાઈનું નાટક ભજવાયુ પરંતુ આમોદ શહેરની વાસ્તવિકતા તદ્દન અલગ છે. શહેરીજનોની ફરિયાદો મુજબ નગરના મુખ્ય વિસ્તારોમાં અને સોસાયટીઓની આસપાસ ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળે છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે. સફાઈ કામદારોના પ્રશ્નો અને વ્યવસ્થાપનની ઉણપને કારણે નિયમિત સફાઈ થતી નથી, જેના પરિણામે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર ગંભીર અસર પડી રહી છે. એક તરફ સ્વચ્છતા અભિયાનના નામે ફોટો સેશન થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ગંદકીના ઢગલા પાલિકાના સફાઈ વ્યવસ્થાપનની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે.

ગંભીર રોગચાળો ફેલાવવાની દહેશત : શહેરમાં ઠેર-ઠેર જામી રહેલા ગંદકીના ઢગલા અને યોગ્ય સફાઈના અભાવને કારણે ગંભીર રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે. વરસાદની મોસમમાં આ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને પાણી ભરાવાના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોનું જોખમ વધી જાય છે. ઉપરાંત, કચરાના ઢગલા ખુલ્લા રહેવાથી ટાઈફોઈડ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ જેવા પાણીજન્ય રોગો પણ ફેલાઈ શકે છે. આમોદ પાલિકાનું સફાઈ પ્રત્યેનું બેદરકાર વલણ સીધું જ શહેરીજનોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યું છે. જો તાત્કાલિક ધોરણે સફાઈની વ્યવસ્થા સુધરશે નહીં, તો નજીકના ભવિષ્યમાં જાહેર આરોગ્યની મોટી કટોકટી સર્જાઈ શકે છે.

ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય, સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ : આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરોને કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ગંભીર ભય સર્જાયો છે, જેના પરિણામે અનેક બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ટાઈફોઈડ જેવી બીમારીઓથી પીડાઈ રહ્યા છે. સ્થાનિકોની વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પાલિકાએ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે. પરિસ્થિતિ એટલી વણસી છે કે ગંદકીની દુર્ગંધને કારણે સામાજિક પ્રસંગો યોજવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આખરે, રોષે ભરાયેલા સ્થાનિકોએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ગટરની ગંદકી પાલિકા કચેરીએ લઈ જઈને હલ્લાબોલ કરશે. પાલિકાના મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ નગરજનોના પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી નાગરિકોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

આમોદ પાલિકામાં ગટરનો આતંક અને સફાઈનું નાટક, નોટિસ અને રોષ છતાં તંત્ર જાડી ચામડીનું, નગરજનોનું સ્વાસ્થ્ય જોખમમાં : આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સફાઈના નાટક, અને વોર્ડ નંબર એકમાં ઉભરાતી ગટરોના આતંક જેવી એક પછી એક ગંભીર ફરિયાદો હોવા છતાં, પાલિકા તંત્ર કંઈપણ નક્કર પગલાં લેવા તૈયાર નથી. સુરતના પ્રાદેશિક નિયામક તરફથી મુખ્ય અધિકારીને નોટિસ ફટકારાઈ છે અને સ્થાનિકોએ હાય-હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખુદ સત્તાધારી પક્ષના સભ્યો પણ તંત્રની બેદરકારીથી શરમાયા છે, તેમ છતાં મુખ્ય અધિકારી અને પદાધિકારીઓ જાણે જાડી ચામડીના બનીને બેઠા છે. આ નિષ્ક્રિયતા માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ તે નગરજનોને પાયાની સુવિધાથી વંચિત રાખીને તેમના સ્વાસ્થ્યને ગંભીર જોખમમાં મૂકી રહી છે. ગંદકી અને ગટરની સમસ્યાને કારણે રોગચાળો ફેલાવવાની દહેશત છે, જેના કારણે પ્રજામાં પાલિકા તંત્ર પ્રત્યેનો રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે.
યાસીન દિવાન, આમોદ
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com