Geo Gujarat News

ભરૂચ: TDO એ કોઠી ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા: સત્તાનો દુરુપયોગ કરી ભાઈ-પુત્રને આપ્યું કામ, ગુજરાત પંચાયત કાયદાનો ભંગ

સત્તાનો દુરુપયોગ કરવા બદલ કોઠી ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા : ભરૂચ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી નરેશ એમ. લાડુમોર દ્વારા કોઠી ગ્રામ પંચાયતના સરપંચ ઈશાક ઈબ્રાહીમ પટેલ વિરુદ્ધ ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે. સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ TDO એ તેમને સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ તા. ૨૪/૦૯/૨૦૨૫ ના રોજ જારી કર્યો છે. આ સમગ્ર મામલો અરજદાર હિઝુ રહેમાન હૈદર બક્ષની ફરિયાદના આધારે તપાસાયો હતો.સગા-સંબંધીઓને પંચાયતના ભંડોળમાંથી ફાયદો : તપાસમાં બે મુખ્ય ગેરરીતિઓ સાબિત થઈ હતી. જેમાં સરપંચે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હતો. જેમાં સરપંચ ઈશાક ઈબ્રાહીમ પટેલ (નમાઝી) એ પોતાના સગા ભાઈ ઐયુબ ઈબ્રાહીમ નમાજીને ફિલ્ટર પ્લાન્ટ ઓપરેટર તરીકે માસિક ૩,૦૦૦ ના મહેનતાણાથી કામચલાઉ ધોરણે રોક્યા હતા. રેકોર્ડ મુજબ, તેમને ફેબ્રુઆરી-૨૦૨૨ થી નવેમ્બર-૨૦૨૩ સુધી, એટલે કે ૨૨ માસ સુધી ચૂકવણું કરવામાં આવ્યું હતું. તેમજ ફિલ્ટર પ્લાન્ટના રિપ્લેસમેન્ટનું કામ સરપંચના સગા પુત્ર મોહસીન ઈશાક પટેલને સોંપવામાં આવ્યું હતું. આ કામ માટે તા. ૦૪/૧૦/૨૦૨૨ ના રોજ ૧૧,૮૦૦નું ચૂકવણું કરાયું હતું. વધુમાં ફિલ્ટર પ્લાન્ટના રિપેરિંગ/સર્વિસ માટે પણ સરપંચના સગા પુત્રની એજન્સીને ૨,૪૧,૬૦૦નું ચૂકવણું કરવામાં આવ્યું હતું. તપાસના અંતે સ્પષ્ટ થયું કે સરપંચે પોતાના સગા ભાઈને ઓપરેટર તરીકે નિમણૂક આપી અને પુત્રને બિલોનું ચૂકવણું કરાવ્યું, જેનાથી તેમણે પંચાયતના કામમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિતસંબંધ રાખ્યો હતો. જે પંચાયત કાયદાની કલમનું સીધું ઉલ્લંઘન છે.​સરપંચની દલીલ અને તંત્રનો અંતિમ હુકમ : સુનાવણી દરમિયાન સરપંચ ઈશાક ઈબ્રાહીમ પટેલે દલીલ કરી હતી કે તેઓ પ્રથમ વખત સરપંચ તરીકે ચૂંટાયા હોવાથી પંચાયતની જોગવાઈઓની જાણકારી ન હતી અને કામગીરી ગામના લોકહિતમાં તાત્કાલિક જરૂરિયાત મુજબ કરવામાં આવી હતી. તેમણે એવું પણ જણાવ્યું કે તેમના ભાઈ અને પુત્ર અલગ કુટુંબ ધરાવે છે. વળી, તેમણે અરજદાર પર સરકારી જમીનનો કબજો હટાવવાના કામે અદાવત રાખીને ખોટા આક્ષેપો કર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. ​જોકે કેસની તમામ વિગતો અને પંચાયત ધારાના નિયમો જોતા તાલુકા વિકાસ અધિકારીએ અવલોકન કર્યું કે ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈને પુરતું સમર્થન મળે છે. આથી TDO નરેશ એમ. લાડુમોરે સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. સરપંચ ઈશાક ઈબ્રાહીમ પટેલ હસ્તકનો ચાર્જ તાત્કાલિક ધોરણે ઉપસરપંચ હસમુખભાઈ ભીખાભાઈ વસાવાને સોંપવા આદેશ કરવામાં આવ્યો છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.